લો બોલો! રાજકોટના મેટોડામાં સરપંચ પતિએ 54 લાખની સરકારી જમીન ઉપર બંગલો બનાવી નાખ્યો, વાંચો સમગ્ર મામલો
રાજકોટ શહેર જિલ્લામાં સરકારી જમીનને વડીલોપાર્જિત મિલ્કત સમજતા તત્વો દ્વારા બેફામ દબાણ કરવામાં આવી રહ્યા છે અને અમરગઢ ભીચરી તેમજ મહિકામાં સરકારી જમીન ઉપર સૂચિત સોસાયટીના ખેલ પાડવામાં આવી રહ્યા છે તેવામાં લોધીકા તાલુકાના મેટોડા ગામના મહિલા સરપંચના પતિદેવે અંદાજે 54 લાખ રૂપિયાથી વધુ કિંમતી 420 ચોરસ મીટર સરકારી જમીન ઉપર આલીશાન બંગલો ખડકી દેતા જાગૃત નાગરિકની ફરિયાદ બાદ મામલતદાર તંત્ર દોડતું થયું છે અને દબાણ અંગેનો કેસ ચલાવી દસ દિવસમાં દબાણ હટાવવા આદેશ કરી 54,600 રૂપિયા દંડ ફટકાર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ-કાલાવડ રોડ ઉપર આવેલ લોધીકા તાલુકાના મેટોડા ગામના સરપંચ સંગીતાબેન જયંતીભાઈ સભાયાના પતિ જયંતીભાઈ અમરશીભાઇ સભાયાએ મેટોડા ગામના ગેઇટની અંદર આવેલ રેવન્યુ સર્વે નંબર 412 પૈકીની સરકારી ખરાબાની 420 ચોરસમીટર જમીન ઉપર બંગલો બાંધી દબાણ કરી લેતા દબાણ મામલે જાગૃત નાગરિકની ફરિયાદ બાદ નાયબ મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા ઉપરોક્ત સ્થળે દબાણ હોવાનું સામે આવતા લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને 12-12 મુદતો આપ્યા બાદ મામલતદાર દ્વારા મહિલા સરપંચનું નિવેદન લેવામાં આવતા સરપંચે તેમના પતિ જયંતીભાઈ અમરશીભાઇ સભાયાએ દબાણ કરી રહેણાંક બનાવ્યું હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટ અગ્નિકાંડ કેસમાં કોર્ટે કાર્યવાહી બનશે ઝડપી! મનસુખ સાગઠીયા સહિત 7 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ, આ તારીખે ચાર્જફ્રેમ થવાની શક્યતા
બીજી તરફ મેટોડા ગામની સરકારી જમીન ઉપર દબાણ કરી લેનાર સરપંચ પતિને સાંભળવા માટે મામલતદાર દ્વારા 12-12 મુદતો આપવા છતાં પણ એક પણ મુદતમાં તેઓ હાજર રહ્યા ન હોવાનું સામે આવ્યું છે. સાથે જ સરકારી જમીન ઉપર આલીશાન બંગલો ખડકી દેનાર સરપંચ પતિએ અહીં વીજ જોડાણ પણ મેળવી લીધું હોવાનું સામે આવ્યું છે. આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે, ગામડામાં સરકારી જમીન ઉપર દબાણ ન થાય તે જોવાની જવાબદારી જેમની છે તેવા સરપંચના પરિવારે જ દબાણ કરી બંગલા બનાવી લેતા અન્ય દબાણકર્તાઓની તો વાત જ કરવી અસ્થાને છે.
આ પણ વાંચો : RMCની ત્રણ શાખા વચ્ચે સંકલનના અભાવે મવડી એનિમલ હોસ્ટેલમાં પશુઓ પર હજુ પણ તોળાઈ રહ્યું છે મોતનું જોખમ
ઉલ્લેખનીય છે કે, મેટોડા જીઆઇડીસીની કારણે અહીં જમીનના ભાવ કરોડો રૂપિયા છે ત્યારે મામલતદાર લોધીકા દ્વારા સરપંચ પતિના આ જમીન દબાણ કેસમાં મેટોડાની સરકારી ખરાબાની 420 ચોરસ મીટર જમીનના ભાવ 54 લાખથી વધુ ગણી દસ દિવસમાં સરકારી જમીન ઉપરથી દબાણ હટાવવા હુકમ કરી રૂ.54,600નો દંડ ફટકારતો હુકમ કરાયો છે. બીજી તરફ સરપંચના પતિ જયંતીભાઈનો સંપર્ક કરતા તેઓએ છેલ્લા 30થી 32 વર્ષથી આ દબાણ કર્યું હોવાનું કબુલ્યું હતું. હાલમાં સરપંચ પતિ દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ અને પેશકદમીને રેગ્યુલાઈયુઝડ કરાવવા દોડધામ શરુ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.