લો બોલો! રાજકોટની ભાગોળે મહીકા ગામે કૌભાંડિયાએ સરકારી જમીનમાં આખી સોસાયટી ઉભી કરી નાખી
રાજકોટ તાલુકાના મહીકા ગામે સરકારી ખરાબાની કિંમતી જમીન ઉપર જમીન કૌભાંડીયાઓએ શિવમ પાર્ક રેસીડેન્સી નામની સૂચિત સોસાયટી બનાવી ગરીબ પરિવારોને શિકાર બનાવી અહીં 160 જેટલા પ્લોટ, મકાન બનાવી નાખતા મામલતદાર દ્વારા સરકારી જમીન ઉપર દબાણ હટાવવા પેશકદમી કેસ ચલાવી દંડ ફ્ટકારવાની સાથે સરકારી જમીન ખુલ્લી કરવા કરેલા આદેશને સૂચિત સોસાયટીના રહેવાસીઓએ સીટી પ્રાંત-2 આસિસ્ટન્ટ કલેકટર સમક્ષ અપીલ કરી પડકારી દબાણ નિયમિત કરી આપવા દાદ માંગતા આ કેસમાં આસિસ્ટન્ટ કલેકટરે સરકારી જમીન ઉપર વગર મંજુરીએ દબાણ કરવાનો કોઈને હક્ક ન મળતો હોવાનું નોંધી તમામ 160 દબાણકારોની અપીલ અરજી ફગાવી દઈ મામલતદારનો દબાણ હટાવવાનો હુકમ યોગ્ય ઠેરવ્યો હતો.
આ પણ વાંચો :રાહત ! દિવાળીએ કમોસમી ધડાકા નહીં થાય, આગામી ત્રણ-ચાર દિવસમાં નૈઋત્યના ચોમાસાની વિદાય
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટની ભાગોળે આવેલ મહીકા ગામમાં રેવન્યુ સર્વે નંબર 283 પૈકી 1ની કરોડોની કિંમતી સરકારી ખરાબાની જમીન ઉપર દબાણો ઉભા થઈ ગયા હોવાની ફરિયાદને આધારે રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા સર્કલ તલાટી મારફતે તપાસ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી હતી જેમાં રાજકોટના દેવપરામાં રહેતા મુકેશ ડી.પટેલ નામના શખ્સે સરકારી જમીન ઉપર શિવમપાર્ક રેસિડેન્સી નામની સૂચિત સોસાયટી ઉભી કરી લોકોને જુદા જુદા પ્રમાણપત્રો આપી જમીન અને મકાનનું વેચાણ કરતા સમય જતા અહીં એક બે નહીં પરંતુ 160 આસામીઓએ મકાન બનાવી નાખ્યા હતા જેમાં 9 ચોરસ મીટરથી 124 ચોરસ મીટર સુધીના દબાણ ઉભા થયાનું ખુલતા મામલતદાર દ્વારા તમામ 160 આસામીઓ સામે દબાણ કેસ ચલાવી સરકારી જમીન પરથી દબાણ હટાવવા આદેશ કરી દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :આમાં તંત્રની આવક ક્યાંથી વધે? રાજકોટમાં ફટાકડાના ધંધા માટે પ્લોટ ભાડે આપવામાં શાસકોએ ધાર્યું જ કર્યું, જાણો શું છે મામલો
બીજી તરફ મામલતદારના આ હુકમ સામે શિવમપાર્કના રહેવાસીઓએ સીટી પ્રાંત-2 આસિસ્ટન્ટ કલેકટર સમક્ષ અપીલ કરી દાદ માંગતા જણાવ્યું હતું કે, અમો ગરીબ વર્ગના અને રોજે રોજનું કમાઈ ખાનાર વર્ગના છીએ, અમોને મુકેશ ડી.પટેલ નામના શખ્સે આ જમીન સરકારી ખરાબાની નહીં પરંતુ રેવન્યુ સર્વે નંબર 200ની હોવાનું જણાવી પૈસા વસૂલી જુદા-જુદા પ્રમાણપત્ર આપતા મરણમૂડીમાંથી અહીં મકાન બનાવ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે જ અરજદારો પાસેથી પંચાયત વેરો વસુલતી હોવાનું, લાઈટ પાણી સહિતની સુવિધા હોવાનું તેમજ માર્ગો પણ નિયમ મુજબ હોય અમારો આશરો નહીં છીનવવા અપીલ કરી દબાણ નિયમિત કરી આપવા દાદ માંગી હતી. જો કે, સીટી પ્રાંત-2 આસિસ્ટન્ટ કલેકટર મહક જૈન દ્વારા તમામ 160 અરજદારોના આ કેસમાં મહત્વનો મુદ્દો ટાંકી નોંધ્યું હતું કે, સરકારી જમીન ઉપર કોઈપણ વ્યક્તિ મંજૂરી વગર દબાણ કરવાનો હક્ક મળતો નથી. પ્રસ્તુત કેસમાં એન.એ.પોટેન્સિયલ જમીનમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ગંભીર નોંધ લઈ દબાણ નિયમિત કરવાની બાબત સરકારશ્રીની હોવાનું નોંધી મામલતદાર રાજકોટ તાલુકાનો દબાણ દૂર કરવાનો હુકમ કાયમ રાખી અપીલ અરજી ના મંજુર કર હતી.
