પરેશ ધાનાણી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
પાટીદાર અને ક્ષત્રિયો મામલે જાહેર સભામાં નિવેદન બાદ
જિલ્લા ચૂંટણી તંત્ર નોટિસ ફટકારી ચૂંટણી પંચમાં રિપોર્ટ કરાશે
રાજકોટ : ભાજપના ઉમેદવાર રૂપાલા બાદ હવે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિય સમાજ વિષે કરેલ ટિપ્પણી મામલે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું, આ મામલે જિલ્લા ચૂંટણી તંત્ર કોંગ્રેસના ઉમેદવારને નોટિસ ફટકારી ચૂંટણીપંચને રિપોર્ટ કરશે.
તાજેતરમાં રાજકોટની એક જાહેર સભામાં પરેશ ધાનાણીએ પ્રવચનમાં કહ્યું હતું કે,1995માં આપણા અઢારેય વરણ એક થઇ ભય, ભૂખ, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું હતું. બધાએ લોહી પરસેવાના ટીપેથી સીચીને એને વટ વૃક્ષ બનાવ્યું. એમાં પણ અમે પટેલીયા અને બાપુ બે બળે ચડ્યા, હરખપદુડા ભાજપના બીને દરરોજ ઉઠી દશ ડોલ પાણી પાયું. જેથી આ વૃક્ષ જલ્દી મોટું થાય અને ભરઉનાળે છાયો મળશે. 2015માં અમારે અખતરો કરવાનો આવ્યો ત્યારે અમને ખબર પડી કે વાહા ફાટી ગયા.’તેમણે કહ્યું હતું કે, આજ ભાજપ સરકાર હતી જેની સૂચનાથી પોલીસે અમારી માં-બેન, દીકરીઓને ઢોર માર મારી લોટ બાંધી દીધો. એના આંસુ એના અહંકારને ઓગળી ન શક્યા. હું ત્યારે પણ કહેતો હતો કે વારા પછી વારો મે પછી ગારો. કોઈ બાકી રહ્યું છે ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો છે. બાપુ બચ્યા હતા અને હવે આ વખતે એનો વારો પણ આવી ગયો. આ કોઈના નથી.
પરેશ ધાનાણીએ કરેલા આ નિવેદન બદલ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું અને આ ટિપ્પણી મામલે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને નોટિસ આપવામા આવશે અને બાદમાં તપાસ અંગેનો રિપોર્ટ ચૂંટણી પંચમાં કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.