CM ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ : કાંતિ અમૃતિયા, કૌશિક વેકરિયા, ત્રિકમ છાંગા સહિતે ચોંકાવ્યા !
મુખ્યમંત્રી હોય, પ્રદેશ પ્રમુખ હોય કે પછી સંગઠનની રચના હોય કે પછી અન્ય કોઈ હોદ્દો હોય ભાજપ દ્વારા હંમેશા `ચર્ચામાં રહેલા’ નામને ક્યારેય પસંદ કરવામાં આવતું નથી અને કોઈ પણ મુદ્દે ચર્ચામાં ન રહ્યું હોય તેવું નામ જાહેર કરીને સૌને ચોંકાવી દેવામાં આવે છે ત્યારે નવા મંત્રીમંડળની રચનામાં પણ એવું જ જોવા મળ્યું છે. મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, અમરેલીના કૌશિક વેકરિયા, કચ્છના ત્રિકમ છાંગા સહિતને મંત્રી બનાવી ભાજપે લોકોને જ નહીં બલ્કે રાજકીય વિશ્લેષકોને પણ ચોંકાવ્યા હતા.
મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા શરૂ થઈ ત્યારે ભાગ્યે જ એવું સાંભળવા મળ્યું હશે કે મોરબીને બ્રિજેશ મેરજા બાદ ફરી મંત્રીપદ મળશે. આખાબોલા નેતા કાંતિભાઈ અમૃતિયા ક્યાંય ચર્ચામાં ન્હોતા પરંતુ જેવું તેમનું નામ જાહેર થયું કે મોરબીથી લઈ ગાંધીનગર સુધી તમામ લોકો વિચારતા થઈ ગયા હતા અને એવો ગણગણાટ પણ કરી રહ્યા હતા કે `આનું નામ જ ભાજપ કહેવાય’
આવું જ કંઈક અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના નામને લઈને બન્યું હતું. તાજેતરમાં જ તેમની અને પ્રદેશના પૂર્વ પ્રમુખ સી.આર.પાટિલ વચ્ચેની ઓડિયો ક્લિપ સામે આવી હતી જેમાં પાટિલ વેકરિયાને ઠપકો આપતા પણ સંભળાયા હતા. આ ક્લિપ જેટલા લોકોએ સાંભળી હશે તેમને ખ્યાલ જ હશે કે પાટિલ જેવા દિગ્ગજ નેતા નારાજ હોય પછી મંત્રીપદ મળે ? જો કે એવું બન્યું નથી અને કૌશિક વેકરિયાને પણ મંત્રીપદ મળી ગયું હતું.
જ્યારે અંજાર બેઠકના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાનું નામ પણ મંત્રીપદ તરીકે ક્યાંય ચર્ચામાં આવ્યું ન્હોતું આમ છતાં તેમને પણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. આવું જ કંઈક મહુધા બેઠકના ધારાસભ્ય સંજયસિંહ ચાવડા, ગણદેવીના નરેશ પટેલ, વડોદરાના મનિષાબેન વકીલ, બોરસદના રમણ સોલંકી સહિતનાનું જોવા મળ્યું હતું. ખુદ ધારાસભ્યોને ખ્યાલ ન્હોતો કે તેમને મંત્રી બનાવવામાં આવશે.
બીજી બાજુ અર્જુન મોઢવાડિયા, જીતુભાઈ વાઘાણી, ડૉ.પ્રદ્યુમન વાજા, કનુભાઈ દેસાઈ સહિતના નામ `અપેક્ષિત’ જ હતા અને તેમને મંત્રીમંડળમાં સમાવિષ્ટ કરાશે તેવી ચર્ચા સાચી ઠરી હતી. જ્યારે ભાવનગર (ગ્રામ્ય) બેઠક પર નાદૂરસ્ત તબિયતનો સામનો કરી રહેલા પરસોત્તમભાઈ સોલંકીને મંત્રીમંડળમાંથી ઉતારી તેમના ભાઈ હિરાભાઈ સોલંકીને મંત્રી બનાવાશે તેવી ચર્ચા હતી પરંતુ એ મુદ્દો પણ માત્ર ચર્ચામાં જ રહ્યો હોય તેમ પરસોત્તમભાઈ સોલંકીને ફરી મંત્રી બનાવીને ભાજપે સરપ્રાઈઝ આપી હતી.
