CM ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ : સ્પેશિયલ 26 ટીમને ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ સોંપાયો
ગુજરાતમાં આખરે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે અને તેમાં 26 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે ત્યારે હવે `દાદા’ની નવી ટીમમાં સીનિયર, અનુભવી, યુવા સહિતનું અદ્ભુત કોમ્બિનેશન કરવામાં આવ્યું છે. ત્યારે આજે સાંજે કેબિનેટની બેઠક મળી હતી જેમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. સ્વર્ણિમ સંકુલ 1માં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ સવા કલાક સુધી ચાલી હતી. ખાતાંની ફાળવણી પણ થઈ ગઈ છે. હર્ષ સંઘવીને ગૃહમંત્રી બનાવાયા છે. રાજ્યના 26 મંત્રીઓ સાથે બીજેપીના રાષ્ટ્રીય અદ્યક્ષ જે. પી. નડ્ડાએ બેઠક કરી હતી અને જરૂરી સૂચનાઓ, શીખ પણ આપવામાં આવી હતી.
| હર્ષ સંઘવી | નાયબ મુખ્યમંત્રી | ગૃહ, કાયદો અને ન્યાય, રમત-ગમત અને યુવા |
| કનુ દેસાઈ | કેબિનેટ મંત્રી | નાણા અને શહેરી વિકાસ |
| ઋષિકેશ પટેલ | કેબિનેટ મંત્રી | ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ |
| કુંવરજી બાવળિયા | કેબિનેટ મંત્રી | શ્રમ અને રોજગાર |
| અર્જુન મોઢવાડિયા | કેબિનેટ મંત્રી | વન અને પર્યાવરણ, સાયન્સ ટેક્નોલોજી |
| જીતુ વાઘાણી | કેબિનેટ મંત્રી | કૃષિ અને સહકાર |
| રમણ સોલંકી | કેબિનેટ મંત્રી | અન્ન અને નાગરિક પુરવઠો, ગ્રાહક સુરક્ષા |
| પ્રદ્યુમન વાજા | કેબિનેટ મંત્રી | સામાજિક ન્યાય તથા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ |
| નરેશ પટેલ | કેબિનેટ મંત્રી | આદિજાતિ વિકાસ |
| પ્રફુલ પાનશેરિયા | રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો) | આરોગ્ય |
| ઈશ્વરસિંહ પટેલ | રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો) | પાણી પુરવઠા અને જળ સંપત્તિ |
| મનીષા વકીલ | રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો) | મહિલા અને બાળ વિકાસ |
| પરસોત્તમ સોલંકી | રાજ્યકક્ષા | મત્સ્ય ઉદ્યોગ |
| રીવાબા જાડેજા | રાજ્યકક્ષા | પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ |
| પી.સી. બરંડા | રાજ્યકક્ષા | આદિજાતિ વિકાસ, અન્ન-નાગરિક પુરવઠો, ગ્રાહક બાબત |
| કાંતિ અમૃતિયા | રાજ્યકક્ષા | શ્રમ અને રોજગાર |
| કૌશિક વેકરિયા | રાજ્યકક્ષા | કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, સંસદીય બાબતો |
| રમેશ કટારા | રાજ્યકક્ષા | કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન |
| જયરામ ગામિત | રાજ્યકક્ષા | રમતગમત, યુવા અને સાંસ્કૃતિક તથા નાગરિક ઉડ્ડયન |
| દર્શના વાઘેલા | રાજ્યકક્ષા | શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ |
| પ્રવીણ માળી | રાજ્યકક્ષા | વન અને પર્પાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ, વાહન-વ્યવહાર |
| સંજયસિંહ મહીડા | રાજ્યકક્ષા | મહેસૂલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગ્રામીણ વિકાસ |
| કમલેશ પટેલ | રાજ્યકક્ષા | નાણાં, પોલીસ હાઉસિંગ, નશાબંધી-આબકારી |
| ત્રિકમ છાંગા | રાજ્યકક્ષા | ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ |
| સ્વરૂપજી ઠાકોર | રાજ્યકક્ષા | ખાદી અને ગ્રામોદ્યોગ |
મુખ્યમંત્રી હોય, પ્રદેશ પ્રમુખ હોય કે પછી સંગઠનની રચના હોય કે પછી અન્ય કોઈ હોદ્દો હોય ભાજપ દ્વારા હંમેશા `ચર્ચામાં રહેલા’ નામને ક્યારેય પસંદ કરવામાં આવતું નથી અને કોઈ પણ મુદ્દે ચર્ચામાં ન રહ્યું હોય તેવું નામ જાહેર કરીને સૌને ચોંકાવી દેવામાં આવે છે ત્યારે નવા મંત્રીમંડળની રચનામાં પણ એવું જ જોવા મળ્યું છે. મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, અમરેલીના કૌશિક વેકરિયા, કચ્છના ત્રિકમ છાંગા સહિતને મંત્રી બનાવી ભાજપે લોકોને જ નહીં બલ્કે રાજકીય વિશ્લેષકોને પણ ચોંકાવ્યા હતા.
મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા શરૂ થઈ ત્યારે ભાગ્યે જ એવું સાંભળવા મળ્યું હશે કે મોરબીને બ્રિજેશ મેરજા બાદ ફરી મંત્રીપદ મળશે. આખાબોલા નેતા કાંતિભાઈ અમૃતિયા ક્યાંય ચર્ચામાં ન્હોતા પરંતુ જેવું તેમનું નામ જાહેર થયું કે મોરબીથી લઈ ગાંધીનગર સુધી તમામ લોકો વિચારતા થઈ ગયા હતા અને એવો ગણગણાટ પણ કરી રહ્યા હતા કે `આનું નામ જ ભાજપ કહેવાય’
આ પણ વાંચો :દાદા સરકારનું નવું મંત્રીમંડળ : ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમમાં કોણે કેટલો અભ્યાસ કર્યો? જાણો કોણ છે સૌથી વધુ ભણેલું
આવું જ કંઈક અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના નામને લઈને બન્યું હતું. તાજેતરમાં જ તેમની અને પ્રદેશના પૂર્વ પ્રમુખ સી.આર.પાટિલ વચ્ચેની ઓડિયો ક્લિપ સામે આવી હતી જેમાં પાટિલ વેકરિયાને ઠપકો આપતા પણ સંભળાયા હતા. આ ક્લિપ જેટલા લોકોએ સાંભળી હશે તેમને ખ્યાલ જ હશે કે પાટિલ જેવા દિગ્ગજ નેતા નારાજ હોય પછી મંત્રીપદ મળે ? જો કે એવું બન્યું નથી અને કૌશિક વેકરિયાને પણ મંત્રીપદ મળી ગયું હતું.
જ્યારે અંજાર બેઠકના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાનું નામ પણ મંત્રીપદ તરીકે ક્યાંય ચર્ચામાં આવ્યું ન્હોતું આમ છતાં તેમને પણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. આવું જ કંઈક મહુધા બેઠકના ધારાસભ્ય સંજયસિંહ ચાવડા, ગણદેવીના નરેશ પટેલ, વડોદરાના મનિષાબેન વકીલ, બોરસદના રમણ સોલંકી સહિતનાનું જોવા મળ્યું હતું. ખુદ ધારાસભ્યોને ખ્યાલ ન્હોતો કે તેમને મંત્રી બનાવવામાં આવશે.
બીજી બાજુ અર્જુન મોઢવાડિયા, જીતુભાઈ વાઘાણી, ડૉ.પ્રદ્યુમન વાજા, કનુભાઈ દેસાઈ સહિતના નામ `અપેક્ષિત’ જ હતા અને તેમને મંત્રીમંડળમાં સમાવિષ્ટ કરાશે તેવી ચર્ચા સાચી ઠરી હતી. જ્યારે ભાવનગર (ગ્રામ્ય) બેઠક પર નાદૂરસ્ત તબિયતનો સામનો કરી રહેલા પરસોત્તમભાઈ સોલંકીને મંત્રીમંડળમાંથી ઉતારી તેમના ભાઈ હિરાભાઈ સોલંકીને મંત્રી બનાવાશે તેવી ચર્ચા હતી પરંતુ એ મુદ્દો પણ માત્ર ચર્ચામાં જ રહ્યો હોય તેમ પરસોત્તમભાઈ સોલંકીને ફરી મંત્રી બનાવીને ભાજપે સરપ્રાઈઝ આપી હતી.
