CM ભૂપેન્દ્ર પટેલે બજેટને આવકાર્યું : કહ્યુ-‘વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું ‘ ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2025-26ના વર્ષના ગુજરાતના બજેટને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં “વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું”-ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ ગણાવ્યું છે.તેમણે વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને આયોજનબદ્ધ રીતે પ્રજા કલ્યાણ યોજનાઓથી અમલમાં મૂકવાનો આલેખ ગણાવ્યું છે.આ માટે રૂ. 50 હજાર કરોડના પ્રાવધાન સાથે વિકસિત ગુજરાત ફંડની સ્થાપનાને તેમણે મહત્વપૂર્ણ ગણાવી છે.
રાજ્યના અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટા કદના એટલે કે રૂ.3.70 લાખ કરોડના આ બજેટમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં ગયા વર્ષની તૂલનાએ 21.8% નો વધારો એ વિકાસ માટેની પ્રતિબદ્ધતા છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, પ્રગતિ અને ઉન્નતિના નિત નવા આયામો સર કરતા ગુજરાતના સૌ નાગરિકોના જીવનને સુગમ્ય, સમૃદ્ધ અને સંતોષપ્રદ બનાવવાનો સફળ પ્રયાસ આ બજેટમાં થયો છે. અત્યાર સુધીમાં વિકાસની રાહ પર જ્યાં ગુજરાત છે તેનાથી વધુ ગતિએ ક્વોન્ટમ જમ્પ સાથે આગળ વધવાનું પ્રતિબિંબ આ બજેટમાં ઝિલાતું હોવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સમગ્ર દેશ નેશન ફર્સ્ટની ભાવનાથી આગળ વધી રહ્યો છે. ગુજરાતનું આ જનકલ્યાણકારી બજેટ રાજ્યના પ્રત્યેક નાગરિકને વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવા યોગદાન આપવા પ્રેરિત કરશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ ગુજરાતની પ્રગતિને વધુ તેજ બનાવનારું તેમજ વિકાસની ધારાથી કોઈ વર્ગ બાકાત ન રહી જાય તેવું સર્વગ્રાહી બજેટ આપવા માટે નાણામંત્રી કનુભાઈ અને એમની ટીમને અભિનંદન આપ્યા હતા.