લોથલમાં માટીનું સેમ્પલ લેતી વખતે ભેખડ ધસી પડી : એક વિદ્યાર્થીનીનું મોત
મહિલા ભૂસ્તરશાસ્ત્રીને થઇ ઈજા : મેરીટાઈમ મ્યુઝીયમ બનાવવાની કામગીરી ચાલી રહી છે
ધોળકા તાલુકાની લોથલ હેરિટેજ સાઈટ પર જમીનમાંથી માટીના સેમ્પલ લેતા સમયે ભેખડ ધસી પડતા એક મહિલા અધિકારી અને એક પીએચડીની વિદ્યાર્થીની દટાઈ ગઈ હતી. જેમાં વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને મહિલા પ્રોફેસર ઈજાગ્રસ્ત થયા હતા. દિલ્હીના આસિ.પ્રોફેસર અને વિદ્યાર્થીની આજે સવારે સેમ્પલ માટે આવ્યા હતા અને માટીના સેમ્પલ લેતી સમયે આ અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, લોથલમાં દિલ્હી અને ગાંધીનગરની ટીમ રીચર્સ માટે ગઈ હતી. આ પછી 12 ફૂટથી વધુ ઊંડા ખાડામાં બે મહિલા સેમ્પલ લેવા અંદર ઉતરી હતી. અચાનક માટીની ભેખડ ખસી પડતા બંને મહિલા માટીમાં દટાઈ ગઈ હતી. જેમાં પીએચડીની વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું તો ઉંડા ખાડામાં માટી નીચે દબાયેલ મહિલા અધિકારીને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવી હતી. જેના બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
આ બે પૈકી પીએચડીની વિદ્યાર્થીની સુરભી વર્માનું મોત નિપજ્યું હતું. સુરભી વર્મા દિલ્હી આઈઆઇટીમાં પીએચડીનો અભ્યાસ કરતી હતી. તો પ્રોફેસર યામા દીક્ષિતને ઈજા પહોંચી છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, લોથલમાં હાલ મેરિટાઈમ મ્યુઝિયમની કામગીરી ચાલી રહી હતી. તેની નજીકમાં જ આવેલી જૂની સાઈટ પાસે રસ્તાનું કામ ચાલી રહ્યું હતું ત્યાં જ આ બે મહિલા દ્વારા એક ખાડામાં માટીના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે અચાનક જ ભેખડ ખસી પડતા બંને દટાયાં હતાં.
મળતી માહિતી મુજબ, આ બંને મહિલા ભૂસ્તરશાસ્ત્રીમાંથી એક IITના અને અન્ય દિલ્હીના જીઓલોજિસ્ટ છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક મહિલા ભૂસ્તરશાસ્ત્રીને બગોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ અંગે બગોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.