કેમિકલ ફેકટરીમાં CI સેલની ટીમે કર્યો લાખેણો કડદો? મુખ્યમંત્રી, ગૃહમંત્રીને ફરિયાદ કરવાનો તખ્તો ઘડાતો હોવાની ઉદ્યોગકારોમાં ચર્ચા
પોલીસનું કામ સબ બંદર કા વેપારી જેવુ હોય છે, જે ક્ષેત્રમાં ન આવતું હોય ત્યાં પણ ખોટું થતું હોય તો પકડી પાડવાનું અને જે તે વિભાગની દમદાટી આપી બંધ બારણે પતાવટ કરી લેવાની આવુ કાંઇ હળવદ અને ધ્રાંગધ્રાની કેમિકલ ફેકટરીઓ સાથે બન્યું છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના સી.આઇ. સેલે કેમિકલના નામે લાખોનો કડદો કર્યાની ભારે ચર્ચા જાગી છે. એવી વાત છે કે પોલ જોઇ ગયાની માફક સમયાંતરે ખંખેરતા આ સેલની ફરિયાદ હવે સ્થાનિક ધારાસભ્ય કે આવા રાજકીય નેતા સુધી પહોંચી છે અને મુખ્યમંત્રી, ગૃહમંત્રીને ફરિયાદ કરવાનો તખ્તો ઘડાતો હોવાની ઉદ્યોગકારોમાં ચર્ચા છે.
હળવદ પંથકમાં સિરામીક ટાઇલ્સના વર્ક સાથે સંકળાયેલી એક ફેકટરીમાં બે દિવસ પૂર્વે ચેકિંગના નામે પોલીસ ટીમ પહોંચી હતી. જયા કેમિકલ યુકત પાણી કે આવી કોઇ ક્ષતિ પોલીસના હાથે આવી હશે અથવા તો ઉભી કરીને જીપીસીબી કે આવા તંત્રની કેસની ચિમકી ઉચ્ચારાઇ હતી. કહેવાય છે કે હાના, હાના બાદ લાખોમાં ગોઠવણ થઇ હતી. જેમા થોડા કેસ થયા થોડાનો વાયદો પડયો હતો. ત્યાંથી નીકળીને ટીમ દોઢેક કલાક બાદ ધ્રાંગધ્રા તરફ આવી જ એક ફેકટરી પર પહોંચી હતી. જયા વસી પેટીમાં કેસમાં પતાવટ થઇ હોવાની ચર્ચા છે.
આ પણ વાંચો : મોટી ટાંકી નજીક ખુલ્લેઆમ દારૂનું કટીંગ, બધા જાણે છે, માત્ર રાજકોટ પોલીસને ખબર નથી! જાણો શું છે સમગ્ર મામલો
એવી વાત છે કે બંને ફેકટરીના વ્યક્તિ નજીકના હતા અને બંનેને ત્યાં દોઢ-બે કલાકમાં કળા થઇ ગઇ હતી. બંને ફેકટરી ધારક ત્યાંના સ્થાનિક ધારાસભ્ય વરમોરા કે અન્ય રાજકીય અગ્રણીના નજીકના જ હોવાથી અને કોઇ પોલીસ અધિકારીઓ આવ્યા અને લાખેણો કડદો થયાની વાત કે ફરિયાદ ત્યાં સુધી પહોંચી હતી. હળવદ પંથકની ફેકટરીનો ચોક્કસ આંકનો વહિવટ બાકી હોવાથી લાગતા વળગતાને સતત ફોન રણકતા રહેતા હતા અને ફરી ટીમે રાઉન્ડ પણ લીધો હતોનું સ્થાનિક ઉદ્યોગકારોમાંથી જાણવા મળે છે સાથે એવી પણ ત્યાંના સબંધીત વ્યવસાયિકોમાં ચર્ચા છે કે, જે-તે ટીમને રાજકીય આગેવાનો દ્વારા કહેવાયું છતાં જાણે તેમનું કોઇ વજન ન હોય અથવા તો ઉપરથી જ છુટ્ટો દોર હોય તે રીતે ટીમ માની ન હતી.
ખાનગી કાર કે આવા વાહનમાં ટીમ આવી હતી. ત્યાંના ઉદ્યોગકારોમાં ઉડતી વાતો પ્રમાણે ટીમે ધારાસભ્ય કે આવા કોઇ મોટાગજાના સ્થાનિક અગ્રણીને દાદ આપી ન હતી.ધ એકાદ વર્ષ પુર્વે પણ ધ્રાંગધ્રાના સ્થાનિક મજબૂત રાજકીય અગ્રણીના સાવ નજીકના સગાને ત્યાંથી પણ અર્ધા ખોખાથી વધૂનો કડદો કહેવાતી સી.આઇ. સેલ ટીમે કર્યો હતોની ચર્ચા છે. હળવદ, ધ્રાંગધ્રાના ઉદ્યોગકારોમાં વહેતી વાતો, ચર્ચાઓ ખરેખર સત્ય છે કે અફવા ? ધારાસભ્ય સુધી આવી કોઇ વાત ફરિયાદ પહોંચી છે કે કેમ ? તે બાબતે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરાનો સંપર્ક સાધવાનો પ્રયાસ થતાં ફોન નોરિપ્લાય થયો હતો. જેથી સાચી હકિકત જાણી શકાઇ ન હતી.
ખરેખર કોઇ પોલીસ સી.આઇ.સેલની ટીમે કડદો કર્યો ? કે પોલીસના નામે નકલી પોલીસ કે આવી કોઇ ગેંગ કારસ્તાન કરી ગઇ ? જે બેનામ ગુંજે છે તે જ હતા કે કેમ? આવુ કાંઇ બન્યું છે કે કેમ ? કાંઇ ઓન પેપર ન હોવાથી હાલ તો અફવા જ કે કડદાની વાતમાં તથ્ય ન પણ હોય તેવુ જ માનવુ રહ્યું.