- સવારે 9 વાગ્યે ગાંધીનગરથી આદેશ છૂટતા જ સાંજ સુધી બન્ને અધિકારીઓએ શાળા, આરોગ્ય, સસ્તા અનાજની દુકાન સહિતની બાબતો ચકાસી
રાજકોટ : રાજ્યના અંતરિયાળ વિસ્તારનાં ગામો સુધી પાયાની સુવિધાઓ આરોગ્ય-શિક્ષણ-આંગણવાડી-અન્ન વિતરણ-મધ્યાહન ભોજન-દૂધ સંજીવની યોજના-ભારતનેટ કનેક્શન-બેન્કિંગ સેવાઓ મળે છે કે કેમ તેનું સ્થળ નિરીક્ષણ કરાવવા માટે શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યના તમામ 33 જિલ્લામાં કલેકટર અને ડીડીઓને જાત માહિતી મેળવવા દોડાવી નવતર પ્રયોગ કર્યો હતો જે અન્વયે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ શનિવારે દિવસભર પડધરી તાલુકાના સરપદળ ગામે તો ડીડીઓ નવનાથ ગૌવ્હાણે જસદણ તાલુકાના ભાડલા ગામે મુકામ કરી ગ્રામીણ નાગરિકોને થતા અનુભવ મેળવવા પ્રયાસ કર્યો હતો.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી રેઇડ જેવી કામગીરી કરવા માટે રાજકોટ સહિત રાજ્યમાં ૩૩ જિલ્લાઓના ગામડાઓમાં જિલ્લા કલેક્ટર અને ડીડીઓને આકસ્મિક મુલાકાતે મોકલી ફિલ્ડના અધિકારીઓએ કરાવેલી અમલીકરણ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં સાંજના ચાર વાગ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીઓની સંબંધિત ગામની મુલાકાતના પ્રતિભાવો સ્થળ ઉપરથી જ મેળવતા સનદી અધિકારીઓને ગામડાની પ્રજાને પડતી મુશ્કેલીઓ સમજવાનો અવસર મળ્યો હતો.
વધુમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ નવતર પ્રયોગમાં ઉચ્ચ અધિકારીઓને શનિવાર સવારે નવ વાગ્યે અચાનક અલગ અલગ ગામ જવા માટે ટાસ્ક આપ્યો હતો. જેને પગલે અધિકારીઓ પોતાના જિલ્લાના એક એક તાલુકાના ગામોની મુલાકાતે પહોંચ્યા હતા અને તે ગામમાં આરોગ્ય સુવિધા, શિક્ષણની સગવડો, આંગણવાડી કેન્દ્ર તેમજ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો પરથી અનાજ વિતરણ, મધ્યાહન ભોજન, દૂધ સંજીવની યોજના, ભારતનેટ કનેક્શન અને બેન્કિંગ સેવાઓ સહિતની પાયાની સુવિધા યોગ્ય રીતે ઉપલબ્ધ છે કે કેમ, કોઈ ત્રુટી કે સુવિધા ઉણપ જેવી બાબતનું તલસ્પર્શી સમીક્ષા હાથ ધરી સાચું ચિત્ર મેળવ્યું હતું.રાજ્યના વહીવટી વડા મુખ્ય સચિવ રાજકુમારના માર્ગદર્શનમાં જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓને નિયત ચેક લિસ્ટ ફોર્મ આપીને તેમાં સમીક્ષા-નિરીક્ષણના અવલોકનો ભરવા પણ જણાવવામાં આવેલું હતું.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ સરપદળ ગામે આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગ, દવાઓનો જથ્થો, ડોક્ટર્સ, સ્ટાફ નર્સ વગેરેની વિગતો, શાળા સંકુલની આનુસંગિક બાબતો, સ્માર્ટ ક્લાસ, હાજરીની નિયમિતતા ઉપરાંત આંગણવાડીની મળવા માળખાકીય સુવિધા અને પંડિત દિન દયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી અપાતા અંત્યોદય તથા અન્ય યોજનાઓના અનાજ સહિત ગ્રામીણ બેન્કિંગ સુવિધા બાબતે પણ આ ચેક લિસ્ટ ફોર્મમાં વિસ્તૃત વિગતો એકત્રિત કરવામાં આવી હતી. બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વિવિધ જિલ્લાના ગામોમાં સેવા સુવિધાઓના સ્થળ નિરીક્ષણ માટે ગયેલા જિલ્લા અધિકારીઓ સાથે વાતચીત કરી પ્રતિભાવો મેળવ્યા હતા.જો કે, વિડીયો કોન્ફરન્સમાં રાજકોટ જિલ્લાનો વારો જ આવ્યો ન હતો.
ઉલ્લેખનીય છે કે, પડધરી તાલુકાના સરપદળ ગામે જિલ્લા કલેકટરની વિઝીટ દરમિયાન સુવિધાઓ મામલે કશું મેજર સામે આવ્યું ન હતું પરંતુ પછાત ગણાતા જસદણ તાલુકાના ભાડલા ગામે આંગણવાડીના તૂટેલા પતરા તેમજ શાળાના ઓરડાઓ જર્જરિત હોવાની બાબત ડીડીઓના ધ્યાને આવી હોવાનું સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે.