મુખ્યમંત્રી 26મીએ રાજકોટની મુલાકાતે : 183 આવાસ, 25 નવી બસ, સ્પોર્ટસ કોમ્પલેક્સનું કરશે લોકાર્પણ
કટારિયા ચોકડીએ આઈકોનિક ફ્લાયરઓવર સહિત ૯ બ્રિજ, કણકોટથી કોરાટ ચોક, ગોંડલ રોડથી ભાવનગર રોડ સુધીના રિંગરોડ-૨ને ફોર-લેન કરવાનું ખાતમુહૂર્ત કરાશે
રોણકી-કાંગશિયાળીમાં ભૂગર્ભ ગટરના કામનો પ્રારંભ કરાવાશે: કુલ ૫૬૫.૬૩ કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે
આગામી તા.૨૬ને બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટ મહાપાલિકા તેમજ રૂડા'ના ૫૬૫.૬૩ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવશે. જે કામનું લોકાર્પણ થવાનું છે જેમાં અલગ-અલગ વિસ્તારમાં ૧૮૩ આવાસ, ૨૫ નવી સીએનજી બસ, મવડીમાં ઈનડોર ગેમ્સ સ્ટેડિયમ સહિતનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કટારિયા ચોકડીએ આઈકોનિક ફ્લાયઓવર સહિત ૯ બ્રિજ, કણકોટથી કોરાટ ચોક, ગોંડલ રોડથી ભાવનગર રોડ સુધીના રિંગરોડ-૨ને ફોરલેન કરવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત
રૂડા’ વિસ્તારમાં સમાવિષ્ટ રોણકી અને કાંગશિયાળીમાં ભૂગર્ભ ગટરના કામનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ કરાશે. મુખ્યમંત્રીનો ડાયસ કાર્યક્રમ ૧૫૦ ફૂટ રોડ પર કટારિયા ઓટો મોબાઈલ્સ શો-રૂમની બાજુમાં આવેલા રૂડાના પ્લોટમાં યોજાશે.
મુખ્યમંત્રી ૫૮.૫૪ કરોડના ચાર કામનું લોકાર્પણ કરશે જેમાં શહેરી બસ સેવામાં નવી ૨૫ બસ, મવડી વિસ્તારમાં નવનિર્મિત ઈનડોર ગેમ્સ સ્ટેડિયમ સહિતનું સામેલ છે. આ ઉપરાંત મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ આવાસ પૈકી ખાલી પડેલાં ૧.૫ બીએચકેના ૧૩૩, ૩ બીએચએકના ૫૦ મળી કુલ ૧૮૩ આવાસનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો થશે.
આ સિવાય રૂડા હસ્તકના નેશનલ હાઈ-વે ૨૭ (ખોડિયાર હોટેલ)થી કાંગશિયાળી ગામના ગેઈટ સુધીના રસ્તાને ૪૫ મીટર ડીપી રોડ તરીકે બનાવવાનો નિર્ણય લેવાયો હતો તેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. એકંદરે મુખ્યમંત્રી રાજકોટ આવી રહ્યા હોય તેમના કાર્યક્રમને લઈ શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.