ગ્રામ પંચાયતોને 576.72 કરોડની મુખ્યમંત્રીએ આપી દિવાળીની ભેટ : જયેશભાઇ જોરદાર, ભૂપેન્દ્ર પટેલના ભાષણમાં અગ્રતાક્રમે
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ સપ્તાહ અંતર્ગત રાજકોટ ખાતે આયોજિત વિકસિત ગામ વિકસિત ગુજરાત કાર્યક્રમમાં રાજ્યની ગ્રામ પંચાયતોને ઓક્ટ્રોય નાબૂદી પેટેના અનુદાન તરીકેના રૂપિયા 576.72 કરોડ વિતરિત કરતાં, પંચાયતો માટે જાણે આજે જ દિવાળી આવી ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો. સાથે જ કાર્યક્રમમાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારી પંચાયત સહિતની આઠ જેટલી સરકારી સંસ્થાઓનું સન્માન તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનારા ચાર સ્વ સહાય જૂથોનું સન્માન કરવામાં આવ્યું હતું.

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના સભાગૃહમાં સૌને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ઓક્ટ્રોય નાબૂદી કરી હતી. ઓક્ટ્રોયની આવકના અભાવે ગામોનો વિકાસ અટકે નહીં, વિકાસ કામો સતત ચાલતા રહે તે માટે રાજ્યની ગ્રામ પંચાયતોને ઓક્ટ્રોય નાબૂદી પેટે કરોડોનું અનુદાન આપ્યું છે. ગામડાઓમાં રોડ, વીજળી, પાણી જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે વડાપ્રધાને નાણાપંચની ગ્રાન્ટમાં પણ ઉત્તરોત્તર વધારો કર્યો હોવાનું જણાવી રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પંચાયતોને ઓક્ટ્રોય ગ્રાન્ટના 576.72 કરોડ રૂપિયાની રકમના વિતરણનો આરંભ કરાવ્યો હતો.

વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ વર્ષે રાજ્યમાં 761 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. પંચાયતના શાસનમાં યુવાનોની ભાગીદારી વધી રહી છે અને આ વર્ષે 42 ટકા સરપંચો 21 થી 40 વર્ષના છે. પીએચ.ડી. થયેલા અનેક યુવાનો પણ સરપંચ બનીને ગ્રામસેવા કરી રહ્યા છે.વિકાસ કામો માટે બદલાયેલી માનસિકતા અને કાર્ય સંસ્કૃતિનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, એક સમયે કોર્પોરેશનમાં રૂ. 10 હજારના કામની મંજૂરી માટે પણ લાંબો સમય લાગતો હતો. પરંતુ આજે રૂપિયા એક કરોડ સુધીનાં કામ તો કોર્પોરેટરો પણ કરાવી શકે છે. ગ્રામીણ વિકાસ અને મહિલાઓના સશક્તિકરણનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, સખીમંડળોને દરેક પ્રકારની મદદ કરવા રાજ્ય સરકાર હંમેશા તત્પર હોય છે.
આત્મનિર્ભર ભારત માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દેશવાસીઓમાં જગાવેલા વિશ્વાસનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, મન કી બાતમાં રમકડાઓની આયાત ઘટાડવા અંગે નરેન્દ્રભાઈ મોદીએ કરેલા આહવાન પછી દેશમાં ચિત્ર બદલાયું. આજે ભારતમાં બનેલાં રમકડાં 143 દેશમાં નિકાસ થાય છે. ભારતને આત્મનિર્ભર અને વિકસિત અર્થવ્યવસ્થા બનાવવા માટે વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીના સંદેશનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આપણે સ્વદેશીને અપનાવીએ. સ્વદેશી વસ્તુઓ જ વેચીએ, ખરીદીએ અને તેનો ઉપયોગ કરીએ એમ જણાવી મુખ્યમંત્રીએ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.
આ તકે મુખ્યમંત્રીના હસ્તે ઓક્ટ્રોય નાબૂદી અનુદાન પેટે બનાસકાંઠાની અંબાજી ગ્રામ પંચાયતને રૂ. 4.31 કરોડ, સુરતના ઓલપાડની ગ્રામ પંચાયતને રૂ.4.07 કરોડ, છોટા ઉદેપુરની નસવાડી ગ્રામ પંચાયતને રૂ. 3.82 કરોડ તથા કચ્છની માધાપર ગ્રામ પંચાયતને રૂ. 1.47 કરોડની રકમના ચેક આપવામાં આવ્યા હતા. સરપંચોએ આ ચેક સ્વીકારતા મુખ્યમંત્રીશ્રીનો આભાર પ્રકટ કર્યો હતો. સાથે જ ‘સ્વચ્છતા હી સેવા અંતર્ગત’ શ્રેષ્ઠ કામગીરી કરનારી સંસ્થા, શાળા, ગામ, સખી મંડળ, તાલુકા, જિલ્લાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે લખપતિ દીદી અંતર્ગત વિવિધ જિલ્લાના ચાર સ્વસહાય જૂથોને પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :હવે ત્રીજા ધોરણથી જ બાળકોને AI ભણાવશે! કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય બનાવી રહ્યું છે યોજના,શિક્ષકોને પણ અપાશે તાલીમ
કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ શહેર-જિલ્લાનાં આશરે રૂ. 194 કરોડના વિકાસકાર્યોના ઈ-ખાતમુહૂર્ત કરીને ‘દિવાળી ભેટ’ આપી હતી. સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા સખી મંડળો દ્વારા નિર્મિત અનોખી વસ્તુઓ, પટોળા, માટીના વાસણો, હેન્ડીક્રાફટ, મોતીકામ જેવી વિવિધ વસ્તુઓના પ્રદર્શન કમ વેચાણ સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા હતા. તેમજ ડ્રોન દીદીની નવી ટેકનોલોજીની ઉડાન સાથે કાર્યકુશળતાનું પ્રદર્શન યોજાયું હતું. જેને મુખ્યમંત્રીશ્રીએ નિહાળ્યું હતું.
કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, જયેશભાઈ રાદડીયા, દુર્લભજીભાઈ દેથરીયા, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પ્રાદેશિક નગરપાલિકા કમિશનર મહેશભાઈ જાની, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, પંચાયત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પી. જી. કયાડા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા સહિતના હાજર રહ્યા હતા.
આ પણ વાંચો :VIDEO : અક્ષયકુમારે નરેન્દ્ર મોદીના વતન વડનગરની મુલાકાત લીધી, હાટકેશ્વર મંદિરમાં દર્શન કરી પુરાતત્વ સંગ્રહાલય નિહાળ્યુ
જયેશભાઇ જોરદાર, સીએમના ભાષણમાં અગ્રતાક્રમે
રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની વાતો વચ્ચે જેતપુરના ધારાસભ્ય અને ખેડૂત નેતા જયેશ રાંદડિયાઓનો મંત્રી મંડળમાં સ્થાન મળે તેવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે શનિવારે રાજકોટમાં આયોજિત મુખ્યમંત્રીના કાર્યક્રમમાં મુખ્યમંત્રીના ભાષણની શરૂઆતમાં અગ્રણીઓના નામો બોલતા સમયે મુખ્યમંત્રીએ મેયર બાદ અન્ય અગ્રણીઓના નામો લેતા પહેલા જયેશભાઇ રાંદડિયાનું નામ અગ્રતાક્રમે લીધું હતી જેથી રાજકીય ગલિયારામાં અનેકવિધ ચર્ચાઓ જાગી છે.
ભાનુબેન, કુંવરજીભાઇ અને રામભાઈની ગેરહાજરી
રાજકોટ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયેલ વિકસિત ગામ વિકસિત ગુજરાત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં શનિવારે હકડેઠઠ મેદની વચ્ચે આયોજિત કાર્યક્રમમાં રાજકોટના ત્રણ -ત્રણ મંત્રીઓ તેમજ રાજ્યસભાના સાંસદની ગેરહાજરી સૂચક બની હતી. મુખ્યમંત્રીના આ કાર્યક્રમમાં ભાનુબેન બાબરીયા, કુંવરજીભાઇ બાવળીયા, રાજકોટના પ્રભારી અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા હાજર ન રહ્યા હોય નેતાઓની હાજરી સૂચક બની હતી.
કાફલો રોકાવી સીએમ ખેડૂતોને મળ્યા
રાજકોટના હિરાસર એરપોર્ટથી કાર્યક્રમ સ્થળે આવતી વેળાએ અમદાવદ હાઇવે ઉપર જીવાપર-નવાગામ વચ્ચે ખેડતો અને વિચરતી વિમુક્ત જાતિ સમાજના લોકો મુખ્યમંત્રીના અભિવાદન માટે પ્લેકાર્ડ સાથે ઉભા હોય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાફલો રોકાવી અચાનક જ પ્રજાજનોને મળવા દોડી ગયા હતા અને સંવાદ કર્યો હતો.
