ફિલ્મ અને વેબસિરીઝનાં કન્ટેન્ટ અંગે ચિંતા વ્યકત કરતા મુખ્યમંત્રી
અમદાવાદના બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના આગવા અંદાજમાં જોવા મળ્યા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્તમાન સમયમાં ફિલ્મ અને વેબ સિરીઝના વિષયવસ્તુ બાબતે પણ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, હાલના સમયમાં જે પીરસવામાં આવે છે એ પરિવાર સાથે બેસીને માણી ન શકાય એવું હોય છે. ફિલ્મ જગત માટે જે દ્રષ્ટિકોણ કેળવાયો છે એમાંથી તેને બહાર લાવવાની જરૂર છે. એ જવાબદારી ફિલ્મ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની છે.
વધુમાં જણાવ્યું કે, હાલના જે વિષય વસ્તુ બતાવવામાં આવે છે, તેના કારણે માનસિકતા બદલાઈ ગઈ છે. પરિણામે અખબારો એટલે કે માધ્યમોમાં કેટલીક ભૂલ ભરેલી ઘટનાઓ બને છે, એ જોવા મળે છે, કે જે કોઈ ન કરી શકે. શિક્ષકો અને આચાર્યો કે જેમના હાથમાં બાળકોનું ભવિષ્ય બનાવવાનું છે, જેમના હાથમાં જવાબદારી છે તેઓ જ ગુનાહિત પ્રવૃત્તિઓ સુધી પહોંચી જાય છે. બધાએ આ ભેગા થઈને આ સ્થિતિમાં બદલવાની જરૂર છે. જેટલું સારું વિષયવસ્તુ બતાવવામાં આવશે એટલું ખરાબ ભૂલાતું જશે, સાચું અને સારું લાંબુ ચાલશે. જો આ બાબતે રસ્તો ચૂકાયો હશે તો પાછા વાળી શકાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, ફિલ્મ ક્ષેત્રને લોકો અનુસરે છે. જેથી સારું બતાવવું જોઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોર્ટ ફિલ્મ ના કોન્સેપ્ટના વખાણ કરતાં કહ્યું કે, હાલના સમયમાં કોઈની પાસે સમય નથી એટલે શોર્ટ ફિલ્મ અનુકૂળ રહે છે. આ ઉપરાંત કાર્યક્રમમાં મહત્વપૂર્ણ બાબત એ પણ રહી કે, મુખ્યમંત્રીએ પોતાના સંબોધન દરમિયાન શોર્ટ ફિલ્મ ના આયોજન માટે આયોજકોના વખાણ કર્યા હતાં.