રવિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખોડલધામમાં : પ્રદેશ પ્રમુખ, નવનિયુક્ત મંત્રીઓનો સન્માન સમારોહ યોજાશે
લેઉવા પાટીદાર સમાજના આસ્થાના પ્રતિક સમાન સ્થાન ખોડલધામ કાગવડ ખાતે આગામી રવિવાર તા.7 ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારમાં લેઉવા પાટીદાર સમાજના નવનિયુક્ત મંત્રીઓ તેમજ પ્રદેશ ભાજપના પ્રમુખ સહિતનાઓનો સન્માન સમારોહ યોજાશે.
ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આગામી રવિવારે મંત્રીઓ, મહાનુભાવોના સન્માન સાથે શક્તિપ્રદર્શનરૂપ કાર્યક્રમ યોજાનારો હોવાનું જાણવા મળે છે. સન્માન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કેન્દ્રના કેબિનેટમંત્રી મનસુખભાઈ માંડવિયા પણ ખાસ હાજર રહેશે. ગુજરાત રાજ્યના મંત્રી મંડળમાં કરાયેલા ફેરબદલમાં નવા સમાવાયેલા લેઉવા પાટીદાર સમાજના મંત્રીઓનું સન્માન કરાશે.
આ પણ વાંચો :ભારત ટેક્સી : 10 દિવસમાં 51,000 ડ્રાઇવરો જોડાયા, સૌથી વધુ રાજકોટમાં! ઓલા-ઉબેર-રેપીડો સાથે સ્પર્ધા,ગુજરાત-દિલ્હીમાં ટ્રાયલ શરૂ
રાજ્યના કેબિનેટ મંત્રી ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, રાજ્ય કક્ષા મંત્રી અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા તથા સુરત કામરેજના ધારાસભ્ય રાજ્યના મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા સહિતના લેઉવા પાટીદાર સમાજના મંત્રીઓનો સન્માન સમારોહ યોજાશે. સાથોસાથ ગુજરાત રાજ્યના ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું પણ ખાસ સન્માન કરવામાં આવશે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટલના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટીઓ, હોદ્દેદારો દ્વારા સન્માન સમારોહને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખોડલધામ કાગવડ ખાતે રવિવારે સવારના સમયે સન્માન સમારોહ યોજાશે. કાર્યક્રમમાં આવનારા લોકો માટે ભોજન સમારંભ પણ રાખવમાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો :યાત્રીગણ કૃપીયા ધ્યાન દે…તત્કાલ ટિકિટ પર પણ OTP ફરજિયાત, ટિકિટ કાઉન્ટર પર નવી સિસ્ટમ લાગુ કરવા નિર્ણય
સન્માન સમારોહને લઈને આંતરિક રીતે એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ખોડલધામ સામે જે રીતે ચોક્કસ જૂથ કે વ્યક્તિઓ દ્વારા ખાનગી રીતે કે જાહેરમાં વિરોધ કરાઈ રહ્યો છે કે કરાવાઈ રહ્યો છે અથવા તો આવી કોઈ પ્રવૃત્તિઓ કરાઈ રહી હોય તો એક કાંકરે બે પક્ષીની માફક તેઓને પણ આડકતરી રીતે જવાબ આપવારૂપ આ સન્માન સમારોહ સાથે શક્તિપ્રદર્શનરૂપ કાર્યક્રમ યોજાય તેવું બની શકે. અગાઉના એક વખત આવા એક કાર્યક્રમમાં ખોડલધામ ખાતે ખુરશીઓ ખાલી રહી ગઈ હતી એવું આ વખતે ન બને તેની પણ છૂપી ટકોર સાથે ટકોરાબંધ તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ શહેરમાં વોર્ડવાઈઝ સંખ્યા તેમજ જેતપુર આસપાસના ગામો રાજકોટ જિલ્લામાંથી વધુને વધુ સંખ્યામાં લેઉવા પટેલ સમાજના લોકો, મહિલાઓ, પુરૂષો, યુવાનો ઉપસ્થિત રહે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. જો કે આ બધું આંતરિક ચર્ચારૂપ છે. વાસ્તવિક રીતે સન્માન સમારોહ કાર્યક્રમ હોય તેવું જ માનવું પડે.
