810 દિવસ રાહ જોઇ છતાં તક ન મળતા ‘ચેતેશ્વર પુજારા’નો આખરે સંન્યાસ : નવી ‘ઇનિંગ’ શરૂ કરવા બાબતે આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમમાં ‘ધ વોલ’ તરીકે જાણીતા બનેલા રાજકોટના ચેતેશ્વર પુજારાએ આખરે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી સંન્યાસનું એલાન કર્યું હતું. બે વર્ષથી ટીમમાં તક ન મળતાં આખરે ચેતેશ્વરે પોતે જ ‘આઉટ’ થવાનો નિર્ણય લીધો હતો. ચેતેશ્વરે ટીમ ઈન્ડિયા વતી પોતાની છેલ્લી મેચ 2023ના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી. ત્યારબાદ તે ટીમમાં વાપસી કરી જ શક્યો ન્હોતો.
પુજારાએ ઘરેલું ક્રિકેટ તેમજ કાઉન્ટી ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું આમ છતાં તેને તક મળી ન્હોતી અને ભારત વતી અંતિમ મેચ રમ્યાના 810 દિવસ બાદ તેની કમબેકની આશા ધૂંધળી થઈ જતાં તેણે નિવૃત્તિ જાહેર કરી હતી. પુજારાએ 2022-23માં સસેક્સ (ઈંગ્લેન્ડ) વતી 18 મેચમાં 64.24ની સરેરાશથી 1863 રન બનાવ્યા હતા જેમાં આઠ સદી સામેલ હતી.

આ પછી 2024માં તેણે કાઉન્ટીમાં બે સદી અને એક ફિફટીની મદદથી 501 રન બનાવ્યા હતા આમ છતાં BCCI ના પસંદગીકારોનું ધ્યાન તેના ઉપર પડયું ન્હોતું. ચેતેશ્વરે 2023માં 18 ફર્સ્ટ ક્લાસ મેચમાં 1172 રન બનાવ્યા જેમાં ચાર સદી અને ચાર ફિફટી સામેલ હતી. 2024માં તેણે 22 ફર્સ્ટ ક્લાસ મેચમાં ૫૩.૨૭ની સરેરાશથી 1918 રન બનાવ્યા જેમાં સાત સદી અને પાંચ ફિફટી સમાવિષ્ટ હતી.
હું રાજકોટમાં જ રહીશ, અહીંથી જ નવી ‘ઇનિંગ’ શરૂ કરીશ
ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્ત થયા બાદ ચેતેશ્વર પુજારાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે હું રાજકોટમાં જ રહીને નવી ઈનિંગ શરૂ કરીશ. અત્યારે હું કોમેન્ટરી કરી રહ્યો છું તો તેમાં એક્ટિવ રહ્યા બાદ આગળ કોઈ નવી તક મળે છે તો તેમાં ઝંપલાવીશ. ક્રિકેટે મને ઘણું જ આપ્યું છે ત્યારે હું નાના શહેરમાંથી આવતા ક્રિકેટરોને કહેવા માંગીશ કે તેઓ મહેનત કરવાનું યથાવત રાખશે તો તેમને પણ મારી જેમ જરૂર સફળતા મળશે. આ પત્રકાર પરિષદ વખતે ચેતેશ્વરના પિતા અરવિંદ પુજારા, પત્ની પૂજા સહિતના પણ ઉપસ્થિત રહ્યા હતા.
