સસ્તું ભાડું અને રાજકોટની પરાબજારની યાત્રા: જ્યુબિલી ચોકમાં દુકાનનું ભાડું માત્ર 3 રૂપિયા! ગેલેક્સી સિનેમા સામેની દુકાનોનું ભાડું 400થી 800 રૂપિયા
રાજકોટ મહાપાલિકાની કામ કરવાની અણઘડ આવડતને કારણે તિજોરીને જબ્બર ફટકો પડી રહ્યો છે. હાલ તિજોરીનું તળિયું દેખાવા લાગ્યું હોવાથી મહાપાલિકાની માલિકીના કિંમતી પ્લોટની હરાજી કરવી પડી રહી છે ત્યારે આ બધાની વચ્ચે વરવી વાસ્તવિક્તા એવી સામે આવી છે કે શહેરના સૌથી જૂના ખરીદી માટેના વિસ્તાર એવા જ્યુબિલી ચોકમાં બે દુકાન એવી આવેલી છે જેનું માસિક ભાડું ત્રણ રૂપિયા હોવા છતાં ભરપાઈ થઈ રહ્યું નથી. આ બે ઉપરાંત અન્ય 45 દુકાન એવી પણ છે જેનું ભાડું 88 રૂપિયાથી લઈ 855 રૂપિયા હોવા છતાં વર્ષોથી તે જમા થઈ રહ્યું નથી !

એસ્ટેટ શાખા પાસેથી મળેલી સત્તાવાર વિગતો પ્રમાણે રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં અત્યારે શોપિંગ સેન્ટર હેતુની 352 દુકાનો ભાડે આપવામાં આવી છે જેનું વાર્ષિક ભાડું 7.07 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. જો કે આ પૈકી અનેક દુકાનો મહિને ભાડું ભરપાઈ કરતી ન હોય અત્યારે મફતના ભાવે મોંઘેરી દુકાનનો ઉપયોગ થઈ રહ્યો છે.

ખાસ કરીને જ્યુબિલી નજીક મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટરની દુકાનો કે જે મહાપાલિકા અસ્તિત્વમાં ન્હોતી આવી તે પહેલાં બનાવવામાં આવી હતી તેનું ભાડું વર્ષોથી બાકી છે. અહીંના દુકાનદારો પાસે જ્યારે મહાપાલિકા દ્વારા ભાડાની ઉઘરાણી કરવામાં આવે ત્યારે `અમારે ભાડું શેનું ભરવાનું, અમે તો દુકાનના માલિક છીએ’ કહીને હાથ ઉંચા કરી દેવામાં આવે છે. આ દુકાનો જે-તે સમયે વિસ્થાપિતો તરીકે આપવામાં આવી હતી અને તે સમયે ભાડું પણ નક્કી કરવામાં આવ્યું હતું.

બીજી બાજુ આટલી મોટી સંખ્યામાં દુકાન હોવા છતાં તેનું ભાડું ત્રણ રૂપિયાથી 600 રૂપિયા સુધીનું જ વર્ષોથી રાખવામાં આવ્યું છે પરંતુ તંત્ર દ્વારા ક્યારેય દુકાનના ભાડામાં વધારો કરવાનો વિચાર સુદ્ધા કરવામાં આવ્યો નથી.
ફનવર્લ્ડનું એક મહિનાનું ભાડું 1.60 લાખ
એસ્ટેટ શાખાના જણાવ્યા પ્રમાણે શહેરીજનોના ફરવાના પ્રિય સ્થળ એવા ફનવર્લ્ડ પાર્કનું એક મહિનાનું ભાડું 1.60 લાખ રૂપિયા છે. આ પ્રમાણે ફનવર્લ્ડ દર વર્ષે મહાપાલિકાને 19.97 લાખ રૂપિયાનું ભાડું ભરપાઈ કરે છે. આ ઉપરાંત સૌથી વધુ ભાડુ કોમ્યુનિટી હોલનું 1.97 કરોડ રૂપિયા મળી રહ્યું છે. એકંદરે 15 પ્રકારની મિલકત ભાડે આપ્યા બાદ મહાપાલિકાની તિજોરીમાં વર્ષે 6.20 કરોડ રૂપિયા જ જમા થઈ રહ્યા છે.
આ પણ વાંચો :TP સ્કીમમાં બિનખેતીની મંજૂરીમાંથી મુક્તિ મળશે: રાજ્ય સરકાર લેશે મહત્ત્વનો નિર્ણય,મહેસુલી સુધારણા ભાગરૂપે નવી પ્રક્રિયા લાગુ થશે
અમે દુકાનદારો પાસે માલિકીનો આધાર માંગ્યો તો જવાબ મળ્યો, અમારે પણ શોધવા પડશે !
આ અંગે એસ્ટેટ શાખાના મેનેજર મેહુલ ગાંધીનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું કે જ્યુબિલી શોપિંગ સેન્ટરની 47 દુકાન ધરાવતાં દુકાનદારો પોતે જ દુકાનના માલિક હોવાનું કહી ભાડું ભરપાઈ કરતાં નથી ત્યારે તેમની પાસે માલિકીનો પૂરાવો માંગવામાં આવતાં એવો જવાબ આપવામાં આવ્યો હતો કે અમારે પણ પૂરાવા તો શોધવા પડશે, મળી જાય એટલે રજૂ કરી દેશું ! આ ઉપરાંત અન્ય વિસ્તારમાં આવેલી દુકાનોનું ભાડું વધારવા માટે પણ વિચારણા ચાલી રહી છે ત્યારે ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવાઈ જશે.
ગેલેક્સી સિનેમા સામેની દુકાનોનું ભાડું 400થી 800 તો ગુમાનસિંહજી શોપિંગ સેન્ટરની દુકાનોનું ભાડું 85થી 392 રૂપિયા
શહેરની સૌથી જૂની ટોકિઝ કે જે અત્યારે અસ્તિત્વમાં નથી છતાં તેનું નામ આદરથી લેવામાં આવે છે તે ગેલેક્સી સિનેમા આવેલી 13 દુકાનોનું ભાડું 400થી 800 રૂપિયા છે તો ગુમાનસિંહજી શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનોનું ભાડું 85 રૂપિયાથી લઈ 392 રૂપિયા હોવાનું એસ્ટેટ શાખામાંથી જાણવા મળ્યું હતું.
