ચોમાસાની બદલાયેલી પેટર્ન : રાજકોટ સહિત 4 શહેરોમાં સાત દિવસમાં જ વરસ્યો સિઝનનો અડધો વરસાદ
આ વરસે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સારો વરસાદ આવ્યો છે અને હજુ વરસી રહ્યો છે ત્યારે ચોમાસાની બદલાયેલી પેટર્ન પણ નિષ્ણાતોનું ધ્યાન ખેંચી રહી છે. આ બદલાયેલી પેટર્નને લીધે રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા એમ ચાર મોટા શહેરોમાં તેના સિઝનલ વરસાદનો અડધાથી વધુ વરસાદ માત્ર સાત દિવસમાં જ નોંધાયો હતો. આખા રાજ્યમાં 13 દિવસના ભારે વરસાદ દરમિયાન કુલ સિઝનલ વરસાદનો 51 ટકા વરસાદ થયો હતો. મંગળવારે દેવભૂમિ દ્વારકા તાલુકામાં સાંજે 6 વાગ્યા સુધીમાં 138 મિલીમીટર વરસાદ પડ્યો હતો, જેમાંથી 120 મિલીમીટર માત્ર બે કલાકમાં પડ્યો હતો. આ વરસાદે તાલુકાના કુલ સિઝનલ વરસાદ (483 મિલીમીટર) નો 25 ટકા હિસ્સો કવર કર્યો હતો.
હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ વર્ષની વરસાદની પેટર્ન પાછલા વર્ષો કરતાં થોડી અલગ છે. સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટમાં સૌથી વધુ વરસાદ થાય છે. પરંતુ આ વખતે અનુકૂળ વાતાવરણ અને મજબૂત ચોમાસાના કારણે મોટાભાગનો વરસાદ જૂન મહિનામાં થયો હતો.
આ નિષ્ણાતો અનુસાર, ટૂંકા ગાળામાં થતા આવા ભારે વરસાદથી માળખાગત સુવિધાઓને મોટું નુકસાન થઈ શકે છે અને પાકને પણ અસર થઈ શકે છે. આ પેટર્ન એકલ-દોકલ નથી. ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થયો હતો. સુરત શહેરમાં સિઝનનો 61 ટકા વરસાદ માત્ર સાત દિવસમાં નોંધાયો હતો. જેમાં 24 જૂનના રોજ પડેલો 346 મિલીમીટર વરસાદ પણ સામેલ છે. આ જ સમયગાળામાં રાજકોટમાં 59 ટકા, અમદાવાદમાં 55 ટકા અને વડોદરામાં 51 ટકા વરસાદ પડ્યો હતો.
15 જૂનના રોજ ચોમાસાના સત્તાવાર આગમન પછી રાજ્યમાં વાર્ષિક સરેરાશ વરસાદના 70 ટકાથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે, જેમાં જૂન મહિનાનો 34 ટકા, જુલાઈનો 29 ટકા અને ઓગસ્ટનો અત્યાર સુધીનો 7 ટકા હિસ્સો છે. ભારતીય હવામાન વિભાગે ગુરુવાર સુધી કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
ભારે વરસાદને પગલે PGVCLને વ્યાપક નુકશાન
છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રને ધમરોળી રહેલા મેઘરાજાએ PGVCLને વ્યાપક નુકશાન પહોચાડ્યું છે. PGVCLના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે 646 ફીડર બંધ થઇ જતા ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને જામનગર જિલ્લાના કુલ 198 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને 43 વીજ થાંભલા તેમજ ત્રણ ટીસી ડેમેજ થયા હોવાનું સામે આવ્યું છે.
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર્માં દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી PGVCLને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. પીજીવીસીએલ કચેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના છ સર્કલમાં 43 વીજ પોલ ડેમેજ થયા છે જેમાં સૌથી વધુ અમરેલીમાં 21, સુરેન્દ્રનગરમાં 10 અને જૂનાગઢમાં આઠ વીજ પોલને નુકશમન પહોંચ્યું છે તેમજ જૂનાગઢમાં 2 અને અમરેલીમાં 1 ટ્રાન્સફોર્મર પણ ડેમેજ થયું છે.
વધુમાં ભારે વરસાદને કારણે ખેતીવાડીના 577, જયોતીગ્રામના 59, શહેરી વિસ્તારના 7, જામનગરમાં એક એચટી ફીડર તેમજ ભાવનગર અને અમરેલીમાં એક-એક જીઆઇડીસી સહિત 646 ફીડર ઠપ્પ થઇ જતા કુલ 198 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. બુધવારે સાંજ સુધીમાં ભાવનગરના 75, પોરબંદર સર્કલના 52, જામનગરના 34, જૂનાગઢ જિલ્લાના 36 અને અમરેલી જિલ્લાના એક ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોવાનું જાહેર કરાયુ હતું.
