કેન્દ્ર સરકાર ઓલા -ઉબેર જેવી સહકાર ટેક્સી સેવા શરૂ કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ગુરુવારે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘સરકારના પ્રયાસોથી ટૂંક સમયમાં સહકારી ટેક્સી સેવા શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત કાર, ઓટો અને દ્વિચક્રી ટેક્સી ચલાવતા લોકો નોંધણી કરાવી શકશે. આનાથી થનારો સંપૂર્ણ નફો સીધો ડ્રાઇવરને જશે અને તેની પાસેથી કોઈ કમિશન લેવામાં આવશે નહીં.’ આમ હવે કેન્દ્ર સરકાર નવા સાહસ શરૂ કરવા જઈ રહી છે.
અમિત શાહ સહકાર મંત્રાલય પણ સંભાળે છે અને આ સંબંધિત એક પ્રશ્નના જવાબમાં તેમણે સંસદમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ‘અત્યાર સુધી આવી ટેક્સી સેવાઓમાંથી મળતું કમિશન અમીર લોકોના હાથમાં જતું હતું અને ડ્રાઈવર બેરોજગાર રહેતા હતા. હવે આવું નહીં થાય અને સહકારી ક્રાંતિ શરૂ થશે.
કેન્દ્રીય મંત્રીના જણાવ્યાનુસાર, ‘સહકાર દ્વારા સમૃદ્ધિનો સૂત્ર ફક્ત એક સૂત્ર નથી, પરંતુ અમે તેને જમીન પર અમલમાં મૂક્યો છે. સહકારી ટેક્સી સેવા થોડા મહિનામાં આવી રહી છે. આ સાથે એક સહકારી વીમા કંપની પણ ટૂંક સમયમાં આવશે. તે ટૂંક સમયમાં દેશની સૌથી મોટી વીમા કંપની બનશે.
સહકારી ટેક્સી સેવાઓના આગમન સાથે, દિલ્હી, મુંબઈ, લખનઉ, પટના, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગલુરુ જેવા શહેરોમાં પરિવહન વ્યવસ્થામાં મોટો સુધારો થઈ શકે છે.
દેશ ધર્મશાળા નથી, કે ગમે તે આવી જાય
દરમિયાનમાં ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ પર જવાબ આપતા લોકસભામાં અમિત શાહે કહ્યું હતું કે દેશમાં કોણ આવે છે અને કેટલો સમય રોકાય છે તે દેશની સુરક્ષા માટે જાણવું જરૂરી છે. દેશ કોઈ ધર્મશાળા નથી કે ગમે તે આવે અને મન ફાવે એટલું રોકાય. દેશના અનેક મુદ્દા આ બિલ સાથે જોડાયેલા છે. જે લોકો અહીં અશાંતિ ફેલાવવા માટે આવે છે એમની સાથે કઠોરતા સાથે કામ લેવાશે. ઈમિગ્રેશન ખરડો ગુરુવારે લોકસભામાં પસાર થયો હતો.