સ્વાગત કાર્યક્રમમાં નિકાલ ન થયા હોય તેવા કેસ રી-ઓપન કરાશે : ઝડપથી પ્રશ્નોનો ઉકેલ લાવવા રાજકોટ કલેકટરનો મહત્વનો નિર્ણય
રાજકોટ શહેર -જિલ્લામાં મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ સ્વાગત કાર્યક્રમમાં ખરા અર્થમાં લોકોની ફરિયાદોનો નિકાલ આવે તે માટે જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા જિલ્લામાં હવેથી તમામ તાલુકા સ્વાગતમાં ઉચ્ચ અધિકારીઓને હાજરી આપવાનું ફરજીયાત બનાવી તેઓ જાતે પણ સ્વાગત કાર્યક્રમમાં હાજર રહશે સાથે જ અધિક નિવાસી કલેકટર, જિલ્લા પોલીસવડા, પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ સહિતના અધિકારીઓને પણ તાલુકા સ્વાગતમાં ફરજીયાત હાજર રહેવા સૂચના આપી છે. સાથે જ સ્વાગત કાર્યક્રમમાં નિકાલ થયેલા કેસનો હકીકતમાં નિકાલ થયો છે કે, કેમ તેની ચકાસણી માટે આવા કેસ રી-ઓપન કરવામાં આવશે તેમ પણ જાહેર કર્યું હતું.

રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના છેવાડાના માનવીના પ્રશ્નોના સુખદ નિરાકરણ સુધી પહોંચવાના ઉદ્દેશ સાથે ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતની વર્ષ 2003થી શરૂઆત કરાવી છે જેમાં દર મહિનાના ચોથા બુધવારે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 1 થી 10 તારીખ સુધીમાં ફરિયાદ-અરજીઓ મંગાવી બાદમાં તાલુકા કક્ષાએ મામલતદાર દ્વારા પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રયાસ કરવામાં આવે છે અને પ્રશ્નનો ઉકેલ ન આવે તો જિલ્લા સ્વાગત અને બાદમાં મુખ્યમંત્રી સમક્ષ રાજ્યકક્ષા સુધી આવા પ્રશ્નો-ફરિયાદો પહોંચતા હોય છે.સરકારની જોગવાઈ મુજબ તાલુકા કક્ષાના સ્વાગતમાં પ્રાંત અધિકારી તેમજ લગત ઉચ્ચ અધિકારીઓને હાજર રહેવાનું હોય છે પરંતુ રાજકોટ જિલ્લામાં આવી પ્રથા ન હોય સ્વાગત કાર્યક્રમને વધુ પ્રજાભિમુખ બનાવવા જિલ્લા કલેકટર દ્વારા તાલુકા સ્વાગતમાં ઉચ્ચ અધિકારીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે પત્રકારો સાથેની વાતચીતમા જિલ્લામાં મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હવેથી તેઓ ખુદ હાજર રહેવાની સાથે અધિક નિવાસી કલેકટર, પોલીસવડા, પીજીવીસીએલ, એસટી સહિતના વિવિધ વિભાગના વડાઓને પણ હાજર રાખવામાં આવશે અને લોકોના પ્રશ્નોનો સરળતાથી ઝડપથી ઉકેલ આવે તે દિશામાં કામ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. વધુમાં જિલ્લા કલેકટરે ઉમેર્યું હતું કે, સ્વાગત કર્યક્રમમાં ઘણા કિસ્સામાં પેપર ઉપર પ્રશ્નનો નિકાલ થતો હોય છે પરંતુ હકીકતમાં આ પ્રશ્ન ઉકેલાયો ન હોવાના બનાવો સામે આવતા હવેથી આવા કિસ્સામાં સ્વાગતમાં આવેલા અને સોલ્વ થયેલા કેસને રી-ઓપન કરી પ્રજાહિતમાં ઝડપથી પ્રશ્નોનો ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવામાં આવશે.
આ પણ વાંચો : ગુજમાર્ગ એપ્લિકેશનમાં ફરિયાદોનો ધોધ, રાજકોટની 86 ફરિયાદો આવી,21 ફરિયાદોમાં તંત્ર લોકેશન જ શોધી ન શક્યું
સિનિયર અધિકારીઓને સ્વાગતમાં આવેલ પ્રશ્ન ઉકેલવા વિશેષ જ્વાબદારી
જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્વાગતમાં અનેક પ્રશ્નો એવા હોય છે કે, જેનો લાંબા સમય સુધી ઉકેલ આવતો નથી હોતો. આ સંજોગોમાં સિનિયર અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપી છેલ્લા એક વર્ષમાં આવેલ પ્રશ્નો ઉકેલવા માટે કામગીરી સોંપવામાં આવશે.
