થોરાળા પોલીસે મર્ચન્ટ નેવીમાં કામ કરતા આંધ્રપ્રદેશના શખસ સામે નોંધ્યો મરવા મજબૂર કર્યો અંગેનો ગુનો
શહેરના થોરાળા વિસ્તારમાં રહેતી અને ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી ૨૩ વર્ષીય યુવતીએ 5 દિવસ પૂર્વે ઘરે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી.જે બનાવમાં પોલીસ તપાસમાં આંધ્રપ્રદેશના મર્ચન્ટ નેવીમાં નોકરી કરતા પ્રેમીએ ઈન્સ્ટાગ્રામમાં ફોટો વાયરલ કરવાની ધમકી આપતા યુવતીએ આ પગલું ભરી લીધું હોવાનું સામે આવતા પોલીસે મરવા મજબૂર કર્યો અંગેનો ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ, ભાવનગર રોડ પર થોરાળા પોલીસ મથક સામે જ રહેતાં 51 વર્ષીય પ્રોઢે નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે બીલ્લાવામસી (રહે. આંબેડકર નગર, કવાલી, પોટ્ટી શ્રીરામુલુ નેલ્લોર, આંધ્રપદેશ) નું નામ આપતાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ મજૂરીકામ કરે છે અને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. મોટી પુત્રી 23 વર્ષની હતી જે ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. તેણીને કોરોનાકાળમાં મોબાઈલ મારફતે રેવ એપ મારફત દ્વારા આરોપીના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે વાતચીત શરૂ થયા બાદ પ્રેમ સંબંધ પાંગર્યો હતો. દરમિયાન આરોપી તેમની પુત્રીને મળવા માટે ત્રણેક વખત રાજકોટ પણ આવ્યો હતો અને તેણીનું શારીરિક શોષણ પણ કર્યું હતું અને ત્યારના આરોપીએ ફોટા પણ પાડી લીધાં હતાં.
જે બાદ આરોપી પુત્રી પર ખોટી શંકા કરવા લાગ્યો અને તેણીના ઇન્સ્ટાગ્રામ સહિતની એપના આઈડી પોતાની પાસે લઈ તે કહે તેની સાથે જ વાત કરવાનું કહીં ટોર્ચર કરવાનું શરૂ કરી દીધું હતું.તેમજ આરોપીએ યુવતીને તરછોડી હવે હું તારી સાથે સબંધ નહીં રાખી તેવું કહી ફરી સબંધ રાખવા દબાણ કરી ઈન્સ્ટાગ્રામમાં ફોટો વાયરલ કરી દેવાનું ધમકી દેતા ૨૩ વર્ષીય યુવતીએ ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી.બનાવ અંગે પોલીસે આંધ્રપ્રદેશના શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
