રાજકોટના મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે થયેલા સામસામા ફાયરિંગનો મામલો : હથિયારનું મોટું નેટવર્ક ખુલવાની શક્યતા
ગત 29 ઑક્ટોબરે સવારે 3ઃ30 વાગ્યાના અરસામાં મંગળા મેઈન રોડ પર શહેરની કુખ્યાત પેંડા ગેંગ અને મુરઘા ગેંગ વચ્ચે સામસામું ફાયરિંગ થતાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિના લીરેલીરા ઉડી ગયા હતા સાથે સાથે શહેર આખું હચમચી ગયું ગયું હતું. આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા અત્યાર સુધીમાં બન્ને ગેંગના દસ લોકોને દબોચી લેવામાં આવ્યા છે. બીજી બાજુ પેંડા ગેંગને ભડાકા કરવા માટે હથિયાર સપ્લાય કરનાર શખસની પણ એસઓજી દ્વારા ધરપકડ કરી લઈ વધુ એક દેશી બનાવટની પીસ્તલ કબજે કરવામાં આવી હતી.

એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજા સહિતની ટીમે જંકશન રેલવે સ્ટેશન પાસેથી સંજયરાજસિંહ ઉફર્ષ ચિન્ટુ મહેન્દ્રસિંહ ઝાલા (રહે.લક્ષ્મીવાડી)ને અટકાવી તલાશી લેતા તેની પેન્ટના નેફામાંથી એક દેશી બનાવટની પીસ્તલ મળી આવી હતી. આ પીસ્તલનું મેગેઝીન કાઢી તપાસ કરતા તે ખાલી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ પછી પોલીસે સંજયરાજસિંહની ધરપકડ કરી તેની પાસેથી બૂલેટ, પીસ્તલ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સંજયરાજસિંહની પૂછપરછ કરાતા તેણે ત્રણથી ચાર મહિના અગાઉ પેંડા ગેંગના હર્ષદીપસિંહ ઉર્ફે મેટિયો સાત્યકિસિંહ ઝાલાને સંબંધના દાવે મફતમાં હથિયાર આપ્યું હતું. સંજયરાજસિંહની પેંડા ગેંગ સાથે નિયમિત ઉઠક-બેઠક હોવાથી તે આ પ્રકારે ગેંગ સાથે સંબંધ સાચવતો હતો. ફાયરિંગમાં વપરાયેલું હથિયાર તો પોલીસે કબજે કર્યું હતું પરંતુ તેને સપ્લાય કરનાર તરીકે સંજયરાજસિંહનું નામ સામે આવતા તેને પણ પકડી પાડ્યો હતો. આ બન્ને હથિયાર સંજયરાજસિંહ પાસે ક્યાંથી આવ્યા તે સહિતની વિગતો ઓકાવવા માટે તેને રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સંજયરાજસિંહ સામે મારામારી, દારૂ પીને ડખ્ખા કરવા, હથિયાર રાખવા સહિતની આઠ ગુના નોંધાયેલા હોય તે પોલીસ ચોપડે કુખ્યાત બની ગયો હતો.
