- મોરબીના પોસ્ટમેન કોઠારિયા ગામની પોસ્ટ ઓફિસે નોકરી પર પહોંચે તે પહેલાં જ રતનપર ગામ પાસે ફોર-વ્હીલ ચાલકે હડફેટે લીધા
- કારખાનામાં નોકરી કરતો યુવક પૂરઝડપે બાઈક લઈને જતો હોય સ્લીપ થઈ જતાં જીવ ગુમાવ્યો
રાજકોટમાં અકસ્માતની સંખ્યા અને તેના કારણે થતાં મૃત્યુમાં ઘટાડો લાવવા માટે અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આમ છતાં અમુક ચાલકોને કારણે સફળતા મળી રહી ન હોય તેવી રીતે સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આવા જ અકસ્માતને કારણે વધુ બે લોકોએ જીવ ગુમાવ્યા હતા.
મોરબીની ધર્મવિજય સોસાયટીમાં રહેતા અને રાજકોટના કોઠારિયા ગામે આવેલી પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે નોકરી કરતાં રાજેશભાઈ શિવલાલભાઈ સુરાણી (ઉ.વ.૫૪) પોતાનું મોટર સાઈકલ નં.જીજે૩એફજે-૧૨૬૩ લઈને નોકરીએ આવવા માટે મોરબીથી કોઠારિયા નીકળ્યા ત્યારે મોરબી રોડ હડાળા ગામથી રતનપર ગામ તરફ જતા પેટ્રોલ પંપ પાસે જ અજાણ્યા ફોર-વ્હીલ ચાલકે હડફેટે લેતાં તેમને ઘાયલ અવસ્થામાં સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ જ રીતે કારખાનામાં મજૂરીકામ કરતાં અને કોઠારિયા ગામે પાણીના ટાંકા સામે રાધેશ્યામ સોસાયટીમાં રહેતા નિલેશ ભીમજીભાઈ ધાડવી (ઉ.વ.૪૧)નો ૧૯ વર્ષનો પુત્ર ભાવિક મોટર સાઈકલ નં.જીજે૩જેએફ-૦૭૦૮ લઈને કોઠારિયા ગામથી શીતળાધાર પાસે સમૂહ લગ્નમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈક પૂરપાટ ઝડપે હોવાથી સ્લીપ થઈ જતાં ભાવિક ત્યાં જ પટકાયો હતો જેથી ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે ખસેડાયો પરંતુ સારવાર દરમિયાન તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.