કેનેડા V/S ભારત રાજદ્વારિ ઘર્ષણ પરાકાષ્ઠાએ
કેનેડાએ 41 રાજદ્વારીઓને પરત બોલાવી લીધા
ત્રણ શહેરોની કોન્સ્યુલેટ કચેરીમાં સેવાઓ બંધ
કેનેડામાં શીખ આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જર ની હત્યાના મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે સર્જાયેલા રાજદ્વારી ઘર્ષણનો નવો અધ્યાય શરૂ થયો છે .કેનેડાએ તેની ભારત ખાતેની એમ્બેસી કચેરીના 41 રાજદ્વારીઓ અને તેમના 42 પરિવારજનોને પરત બોલાવી લેતા વિવાદ વધુ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. આટલા કર્મચારીઓને પરત બોલાવી લીધા પછી ભારતમાં કેનેડાની વિવિધ રાજદૂત કચેરીઓમાં ફક્ત 21 કર્મચારીઓનો સ્ટાફ વધ્યો છે.
ભારતે 20 મી ઓક્ટોબરથી આ 41 કર્મચારીઓ અને તેમના પરિવારજનોને મળતું રાજદ્વારી રક્ષણ પરત ખેંચવાનો નિર્ણય કરતા આ પગલું લેવું પડ્યું હોવાનું કેનેડાના વિદેશ મંત્રી મેલેનાઈ જોલીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે રાજદારીઓ અને તેમના પરિવારજનોનું રાજદ્વારી રક્ષણ પરત ખેંચવું એ વીએના કન્વેન્શન ઓન ડિપ્લોમેટિક રિલેશન્સ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. તેમણે ઉમેર્યું કે આવું જ ચાલ્યું તો વિશ્વના કોઈ દેશમાં એક પણ દેશના રાજદ્વારીઓ સલામત નહીં રહે. અત્રે એ યાદ કરવું જરૂરી છે કે નિજજર હત્યાકાંડમાં ભારતનો હાથ હોવાનો કેડેનારા વડાપ્રધાન જસ્ટિન ટુડો એ આક્ષેપ કર્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધ વણસ્યા હતા. ભારતે કેનેડિયન નાગરિકોને વિઝા આપવાનું પણ બંધ કરી દીધું હતું. અને હવે કેનેડાએ આટલી મોટી સંખ્યામાં રાજદ્વારીઓને પરત બોલાવી લેતા બંને દેશો વચ્ચેના મત ભેગો પોઇન્ટ ઓફ નો રિટર્ન સુધી પહોંચી ગયા હોવાનું માનવામાં આવે છે.
અનેક પ્રકારની સેવાઓને અસર થશે
કેનેડાએ પોતાની ચંદીગઢ ,મુંબઈ અને બેંગ્લોર ખાતેની કોન્સ્યુલેટ કચેરીઓની સેવા બંધ કરી દીધી છે. આને કારણે વિઝા, ઈમિગ્રેશન તથા પાસપોર્ટ પરત લેવા જેવી સેવાઓ મહદ અંશે ઠપ્પ થઈ જશે. વિદેશ મંત્રીએ કહ્યું કે અમને ખેદ અને ચિંતા છે કે આ સંજોગોમાં શૈક્ષણિક સંસ્થાઓથી માંડીને વ્યાપાર સુધીના ક્ષેત્રોમાં વિપરીત અસર થશે.
હત્યા અંગેના પુરાવા આપ્યા હોવાનો દાવો
કેનેડાના વિદેશ મંત્રી મેલેનિયા જોલીએ ફરી વખત દોહરાવ્યું હતું કે નિજજર હત્યા કેસમાં વિશ્વાસપાત્ર આક્ષેપો અંગે ભારત સાથે એક કરતાં વધારે વખત ચર્ચા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન જસ્ટિન ટુડોએ કેનેડામાં સંસદ સમક્ષ હત્યા કેસ અંગે જાણકારી આપી એ પહેલા વિવિધ મુદ્દે ભારતને અનેક વખત જાણ કરવામાં આવી હતી.જો કે ભારતે આ આક્ષેપો નકાર્યા છે.
કેનેડિયન નાગરિકોને ભારતમાં સાવચેત રહેવાની સલાહ
કેનેડા એ ભારતમાં વસતા કેનેડિયન નાગરિકો માટે નવી ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી હતી. તેમાં ભારતમાં આતંકવાદી હુમલાનો ખતરો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ભારતના પ્રસાર માધ્યમો અને સોશિયલ મીડિયામાં કેનેડા વિરુદ્ધ થતાં નકારાત્મક પ્રચારને કારણે કેનેડિયન નાગરિકો ધાકધમકી અને ઉત્પિડનનો ભોગ બની શકે છે તેવી ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને કેનેડાએ ચંદીગઢ,મુંબઈ અને બેંગ્લોરમાં કોન્સ્યુલેટ કચેરી ની સેવાઓ બંધ કરી દેતા એ શહેરો તેમજ દિલ્હીમાં કેનેડિયન નાગરિકોને સાવધ રહેવા જણાવાયું છે.