CAએ રાજકોટમાં મામાના પુત્રને પણ રુ.4.62 કરોડમાં ફસાવ્યો! GST વિભાગ દ્વારા સમન્સ આવતા ખ્યાલ પડ્યો કે…વાંચો સમગ્ર મામલો
560 કરોડના જીએસટી કાંડના આરોપી જામનગરના સી.એ. અલ્કેશ હરિલાલ પેઢડિયાએ રાજકોટમાં રહેતા મામાના પુત્ર પ્રકાશ પરશોત્તમભાઈ કમાણીને પણ નહીં છોડી પ્રકાશભાઈના નામની બંધ પેઢી તેમજ અન્ય ભાગીદારી પેઢીમાં જીએસટીના 26,53,67,306 (26.5 કરોડ)ની રકમના ખોટા બિલો બનાવી ટેક્સ અને પેનલ્ટી મળી પ્રકાશ સાથે 4,62,42,389 (4.62 કરોડ)ની રકમમાં ફસાવી છેતરપિંડી-વિશ્વાસઘાત આચર્યાના આરોપસર સી.એ. અલ્કેશ વિરૂધ્ધ રાજકોટ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
રાજકોટમાં મોટામવા જીવરાજપાર્ક, 80 ફૂટ રોડ પર 501 નંદન રેસિડેન્સીમાં રહેતા ફરિયાદી પ્રકાશભાઈ કમાણી (ઉ.વ.37), 150 ફૂટ રિંગરોડ પર બીગબજાર પાસે 118, ચંદન પાર્ક-2માં સિધ્ધિ વિનાયક હોલીડેઝ નામની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની પેઢી ચલાવતા હતા. 2019 બાદ પેઢી બંધ કરી દીધી હતી. પેઢીના એકાઉન્ટ્સ, રીટર્ન સહિતની કામગીરી પ્રકાશના ફૈબાનો પુત્ર જામનગરનો સી.એ. અલ્કેશ હરિલાલ પેઢડિયા સંભાળતો હતો. જે તે સમયે પેઢી બંધ કરતાં પ્રકાશે અલ્કેશને જીએસટી નંબર રદ કરાવવા કહ્યું હતું. એ દરમિયાન અલ્કેશે પ્રકાશને કહ્યું કે, ધંધો મોટાપાયે કરવો હોય તો પ્રાઈવેટ કંપની બનાવીએ. મામાના પુત્રની વાતમાં આવી આલ્પાઈન થાઈ ડ્રીમ્સ પ્રા.લિ. નામની ટ્રાવેલ્સ કંપની 150 ફૂટ રિંગરોડ પર આવેલા ઈમ્પિરિયલ હાઈટ્સમાં ઓફિસ નં.204માં ચાલુ કરી હતી.
આ પેઢીમાં પ્રકાશ તેમજ અલ્કેશના પત્ની શ્રુતિબેન તેમજ પરિચિત મહિલા મોનાબેન ત્રણ વ્યક્તિ ડિરેક્ટર બન્યા હતા. આ કંપનીનું પણ જીએસટી, ઓડિટ, રીટર્ન સહિતનું કામકાજ અલ્કેશ જ સંભાળતો હતો તેમજ પ્રકાશના પર્સનલ ટેક્સનું કામકાજ અલ્કેશ કરતો હતો જેથી પેઢીના તમામ ડોક્યુમેન્ટ્સ, જીએસટી નંબર કોડવર્ડ અલ્પેશ પાસે રહેતા હતા. બન્ને પેઢીમાં અલ્કેશે પ્રકાશ તેમજ અન્યના ધ્યાન બહાર અલ્કેશે સિધ્ધિ વિનાયક હોલીડેઝ પેઢીમાં 11,72,69,319ના ખરીદી અને સામે 12,59,62,825ના વેચાણના વહીવટો જીએસટી બિલ બનાવ્યા હતા. જ્યારે હાલ 406 સાશ્વત સ્પેશ મોકાજી સર્કલ નાનામવા મેઈન રોડ પર કાર્યરત આલ્પાઈન થાઈ ડ્રીમ્સ કંપનીના નામે 13,38,90,116ના ખરીદના અને 13,14,77,190ના વેચાણના જીએસટી અન્ય પેઢીઓના નામે ખોટા બિલો બનાવ્યા હતા.
આ પણ વાંચો :રાજકોટ એરપોર્ટની સુરક્ષામાં છીંડા? પેસેન્જર રેઢા ઇમરજન્સી ગેટથી એપ્રન સુધી પહોંચ્યો, જવાબદાર કોણ?
ખોટા બિલો આધારે જીએસટી પોર્ટલ પર એન્ટ્રીઓ કરી ખોટા રીટર્ન્સ ભર્યા હતા. બોગસ ઈલેક્ટ્રોનીક્સ રેકર્ડ ઉભા કરીને વાસ્તવમાં ભરવાની થતી જીએસટીની રકમ ઉતરી ન હતી અને એ રકમ ઉપરાંત પેનલ્ટી મળી 4,62,42,389ની જીએસટી ટેક્સની રકમનું કારસ્તાન કરી નાખ્યું હતું. જામનગરના આરોપી સી.એ. અલ્કેશ પેઢડિયા સામે 560 કરોડના જીએસટીના કૌભાંડની ફરિયાદે ગુજરાતભરમાં સી.એ., વેપારી લોબી તેમજ સંબંધિતોમાં ભારે ચકચાર જગાવી છે ત્યાં વધુ એક ગુનો રાજકોટમાં નોંધાતા પીઆઈ ડી.એમ. હરિપરા તથા સ્ટાફે દસ્તાવેજો તેમજ અન્ય આધારો સાથે તપાસ આરંભી છે.
આ પણ વાંચો :રાજકોટમાં છ વોર્ડના રસ્તા નવા બનશે : મુંજકા, મોટામવા પહેલીવાર ભાળશે ‘માખણ’ જેવો રોડ
છ વર્ષથી કારસ્તાન કરતો રહ્યો
ભાઈએ જ ભાઈની સાથે વિશ્વાસઘાત કર્યાની ઘટનામાં આરોપી અલ્કેશે છ વર્ષથી કારસ્તાન કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે. તા.17-1-2019થી 31-7-2025 સુધી છ વર્ષથી વધુ સમય દરમિયાન અન્ય પેઢીઓના નામે વહીવટી પ્રક્રિયાઓ કરીને કારસ્તાન આચર્યું હતું. જો આરોપી અલ્કેશ સામે 560 કરોડનું કૌભાંડ ન ખૂલ્યું હોત તો આ આંક હજુ ઉપર પહોંચેતનું પણ જાણકારોનું કહેવું છે.
જીએસટી વિભાગ દ્વારા સમન્સ આવતા ખ્યાલ પડ્યો કે ભાઇએ દગો કર્યો
સી.એ. પિતરાઈ ભાઈ (ફૈબાના પુત્ર) અલ્કેશ પેઢડિયા પર રાજકોટના યુવકે સંપૂર્ણ વિશ્વાસ મુક્યો હતો. 2019માં સિધ્ધિ વિનાયક હોલીડેઝ પેઢી બંધ કરી દીધી હતી અને તેનો જીએસટી નંબર બંધ કરાવવા કહ્યું હતું અને ભાઈ પર ભરોસો હતો કે એકાઉન્ટ બંધ કરાવી દીધું છે. જો કે ચાલબાજ પિતરાઈ ભાઈ અલ્કેશે એ પેઢીના એકાઉન્ટમાં પ્રકાશની ધ્યાન બહાર અન્ય પેઢીઓના બોગસ જીએસટી બિલો લાખો, કરોડોના છ વર્ષ દરમિયાન બનાવ્યા જેના જીએસટી પેટેની રકમ 2,25,76,485 ભરવાની હતી તે ન ભરી. આ ઉપરાંત હાલમાં ચાલુ પેઢી આલ્પાઈનમાં પણ આવી જ રીતે 2,36,65,894ની જીએસટીની રકમ ભરી ન હતી. પેનલ્ટી મળી બન્ને પેઢીની 4.62 કરોડની ચડત રકમ બાબતે એક માસ પૂર્વે પ્રકાશને જીએસટી વિભાગ દ્વારા સમન્સ આવતા પ્રકાશ ચોંકી ઉઠ્યો હતો. જીએસટી વિભાગમાં નિવેદન નોંધાવવા ગત તા.30-9ના જતા ખ્યાલ પડ્યો કે બન્ને પેઢીમાં કરોડોના વ્યવહારો થયા છે. અન્ય વેપારીઓને વેરાશાખ તબદીલ કરીને 4.62 કરોડ રૂપિયા ભરાયા નથી જેથી દસ્તાવેજી પુરાવાઓ મેળવ્યા હતા અને ગુનો નોંધાવ્યો હતો.
