રાજકોટના જંગલેશ્વરમાં એક સાથે અનેક મકાન પર ફરી વળશે બૂલડોઝર : 80 કરોડની જમીન ઉપર 30 વર્ષથી ખડકાઈ ગયેલા રહેણાક-કોમર્શિયલ બાંધકામ કરાશે દૂર
રાજકોટ શહેરના અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં જેની ગણતરી થાય છે તે જંગલેશ્વરમાં ટૂંક સમયમાં જ મહાપાલિકા અને કલેક્ટર એમ બન્ને તંત્રના બૂલડોઝર એક નહીં બલ્કે અનેક મકાન ઉપર ફરી વળનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. અહીં 80 કરોડની કિંમતી જમીન ઉપર છેલ્લા ત્રીસેક વર્ષથી રહેણાક તેમજ કોમર્શિયલ બાંધકામ ખડકાઈ ગયા હોય કલેક્ટર તંત્ર દ્વારા આ દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરાવવાની દિશામાં કાર્યવાહી આરંભાઈ છે.

ગુરૂવારે ઈસ્ટ ઝોનના મામલતદાર નિલેશ અજમેરા સહિતની ટીમે ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફને સાથે રાખી દબાણકર્તાઓના ઘેર જઈ જઈને નોટિસ ફટકારી હતી. આ અંગે મામલતદારે જણાવ્યું કે જ્યાં આ દબાણ થયા છે તે ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.6ના પ્લોટ નં.159 ઉપર છેલ્લા 30 વર્ષથી ગેરકાયદેસર કબજો કરી બાંધકામ કરી લેવામાં આવ્યું છે. હાલ તમામ દબાણકર્તાઓને કલમ 59-1 મુજબની નોટિસ આપવામાં આવી છે અને 29 ડિસેમ્બરે તમામને રૂબરૂ સાંભળવામાં આવશે.
આ પણ વાંચો :આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-આફ્રિકા વચ્ચે ‘ફાઈનલ’: આફ્રિકા શ્રેણી સરભર કરવા તો ઈન્ડિયા જીતવા જોર લગાવશે

આ પછી જેમના-જેમના દબાણ ગેરકાયદેસર જણાશે અને પૂરતા પૂરાવા આપી શકવામાં નિષ્ફળ નિવડશે તેના દબાણ તોડી પાડવામાં આવશે. આ કાર્યવાહી કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવનાર છે જ્યારે મહાપાલિકા દ્વારા પણ તેના હસ્તકની જમીન ઉપર ખડકાયેલા દબાણને દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો :આ તારીખથી ઠંડીનો આકરો રાઉન્ડ થશે શરૂ : વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ધ્રુજાવશે,અંબાલાલ પટેલે કરી આગાહી
એકંદરે આવનારા દિવસમાં આ મુદ્દો જોર પકડે અને ભારે વિરોધ થાય તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. નોટિસ આપતી વખતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાને કારણે કોઈ અનિચ્છની બનાવ બન્યો ન્હોતો આમ છતાં જંગલેશ્વરમાં ટોળાં એકઠા થઈ જવા પામ્યા હતા.
