બિલ્ડરો હવે ગોળ ગોળ વાતો નહી કરી શકે : સાઈટ ઉપર આજથી ડિસ્પ્લે ફરજિયાત, QR કોડ સહિતની માહિતી લખવી પડશે
ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી ( ગુજરેરા)એ બાંધકામના પ્રોજેક્ટમાં પારદર્શકતા લાવવા માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. રેરા હેઠળ રજિસ્ટર્ડ હોય તેવા દરેક બાંધકામ પ્રોજેક્ટની સાઈટ ઉપર સંપૂર્ણ માહિતી સાથેનું બોર્ડ લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નિયમનો અમલ તા. 1 ડીસેમ્બરને સોમવારથી થશે.
અત્યારે મોટાભાગની બાંધકામ સાઈટ ઉપર જે બોર્ડ રાખવામાં અવે છે તેમાં રેરા રજીસ્ટ્રેશન નંબર અને કયુઆર કોડ રાખવામાં આવે છે. આ કારણે મિલકત ખરીદનારને ફરજિયાતપણે બીજી વિગતો માટે વેબસાઈટની મુલાકાત લેવી પડે છે. ઓથોરિટીએ હવે પ્રોજેક્ટની તમામ ડીટેઇલ સાથેના બોર્ડ રાખવા આદેશ કર્યો છે.
આ આદેશ પછી હવે દરેક બિલ્ડરે સાઈટ ઉપર 1.20 મીટર પહોળુ અને ૨ મીટર ઊંચું વોટરપ્રૂફ બોર્ડ લગાવવું પડશે. આ બોર્ડમાં વ્હાઈટ અથવા યલ્લો બેકગ્રાઉન્ડ રાખવું પડશે. આ બોર્ડ બેનર સ્વરૂપે, હોર્ડિંગ અથવા ડીજીટલ ડિસ્પ્લે સ્વરૂપે રાખી શકાશે. આ બોર્ડ પ્રોજેક્ટના મુખ્ય દરવાજે અથવા મેઈન રોડથી વંચાય એ રીતે રાખવું પડશે. આ બોર્ડમાં રેર નંબર, બેંક એકાઉન્ટની વિગત પણ રાખવી પડશે. આ સિવાય પ્રમોટર્સના નામ, તેમના મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી, બેન્કની લોનની વિગત, લોનની રકમ, પ્રોજેક્ટમાં જે એમીનીટી મંજુર થઇ હોય તેની વિગત અને પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે તેની તારીખ પણ દર્શાવવી પડશે.
રેરાના આદેશમાં એમ પણ જણાવાયું છે કે, પ્રોજેક્ટનું બુકિંગ પેમેન્ટ માત્ર ચેક થી જ સ્વીકારવું પડશે.જ્યાં સુધી સાટાખત ન થાય ત્યાં સુધી ખરીદનાર વ્યક્તિ મિલકતના 10 ટકા રકમથી વધુ રકમ નહી આપી શકે તેમ પણ જણાવાયું છે.
