રાજકોટમાં બિલ્ડરે લોનવાળા 17 ફ્લેટ વેંચી નાખ્યા, ખરીદનારા ફસાઇ ગયા : આ રીતે સામે આવ્યું સમગ્ર કૌભાંડ
રાજકોટ શહેરના રાધાનગર નજીક ગલાલવિહાર સોસાયટી શેરી નં.2માં રહેતા અને કોટડાસાંગાણીના મોટા માંડવા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હેતલબેન મોહનીશભાઈ ટીલાળા (ઉ.વ.40) તથા અન્ય 16 ફ્લેટધારકો સાથે બિલ્ડર વિરેન બાબુભાઈ સિંધવ (રહે.વંદના હેરિટેજ બ્લોક નં.બી/402, પી.ડી. માલવિયા કોલેજ પાછળ, ગોંડલ રોડ) તથા તપાસમાં ખુલે તેઓએ મળી અગાઉથી જ મોર્ગેજ કરીને લોન લીધેલા ફ્લેટ વેચીને છેતરપિંડી, વિશ્વાસઘાત આચર્યાના આરોપસર રાજકોટ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદની વિગતો મુજબ શિક્ષિકા હેતલબેને મવડી રોડ, બાપા સીતારામ ચોક, રિયલ પ્રાઈમ પાછળ શિવાય ફ્લેટ્સ નામે 32 ફ્લેટની આરોપી વિરેન સિંધવે બનાવેલી ઈમારતમાં પાંચ વર્ષ પૂર્વે તા.26-5-2020ના રોજ ફ્લેટ બેન્કમાં લોન લઈ ખરીદ કર્યો હતો. જે ફ્લેટમાં શિક્ષિકાનો પરિવાર રહેવા આવ્યો હતો. પાંચ વર્ષ બાદ ખ્યાલ આવ્યો કે બિલ્ડરે ફ્લેટનો દસ્તાવેજ કર્યો એ પૂર્વે જ 32 પૈકી 17 ફ્લેટ માંડવરાયજી ક્રેડિટ કો-ઓ. સોસાયટી લિ.માં ગીરવે મુકીને 2.50 કરોડની લોન મેળવી લીધી હતી. લોન રિકવરી નોટિસ હેતલબેન ઉપરાંત અન્ય ફ્લેટ ધારકોને મળી હતી.
અન્ય ફ્લેટ ધારકો પ્રજ્ઞાબેન નિલેશભાઈ ચૌહાણ, જોશનાબેન રમેશભાઈ ડાંગરિયા, ભારતીબેન દિનકરભાઈ જોશી, જયેશભાઈ દુલેરાય પંડ્યા, મંજુલાબેન ભીખાભાઈ ભંડેરી, કૃષ્ણાબેન અનિલભાઈ સાવલિયા, રેખાબેન પ્રશાંતભાઈ ધામેલિયા, અંકિતાબેન ગૌરવભાઈ રોજાસરા, ક્રિષ્નાબેન પંકજભાઈ મહેરા તથા અન્ય ફ્લેટ ખરીદદારોને પણ નોટિસ મળી હતી જેથી બધા એકત્રિત થયા હતા. બિલ્ડરને નોટિસ બાબતે વાકેફ કરતાં બિલ્ડર વિરેન સિંધવે કહ્યું કે, તેણે 2019માં માંડવરાયજી ક્રેડિટ કો-ઓપ. સોસાયટી લિ.માં બિલ્ડિંગની ફાઈલ મુકીને 2.50 કરોડની લોન લીધી હતી. બે કરોડ રૂપિયા ભરપાઈ કરી દીધા છે. 50 લાખ રૂપિયા બાકી છે પરંતુ હાલ પોતાની પાસે નાણાંની સવલત છે નહીં.
જે તે સમયે ફ્લેટધારકોને બિલ્ડર વિરેને દસ્તાવેજો કરી આપ્યા, તેમાં સરકાર, સરકારી, સહકારી બેન્ક, પેઢી, નિગમ કે સહકારી મંડળીનું કે કોઈ વ્યક્તિનો કોઈપણ પ્રકારનો કરજ, બોજો નથી કે ચાર્જ, જામીનગીરી કે કોઈપણ પ્રકારના હક્ક નથી તેવો ઉલ્લેખ કરાયો હતો, લખાણ હતું. લોન લીધેલી હોવા છતાં છૂપાવીને ફ્લેટ હોલ્ડરો સાથે વિશ્વાસઘાત-છેતરપિંડી આચરી હોવાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે.
ફ્લેટધારકોને રિકવરી માટેની નોટિસ આવતા કૌભાંડ ખૂલ્યું
ફ્લેટધારકોએ ફ્લેટ ખરીદ કર્યા ત્યારે તેઓને ઉત્તરોત્તર ઓરિજનનલ દસ્તાવેજો નકલો અપાઈ હતી જે દસ્તાવેજો આધારે ફ્લેટ ખરીદનારાઓએ દસ્તાવેજ મોર્ગેજ કરીને લોન લીધી હતી. હવે એ ફ્લેટધારકોને રેગ્યુલર હપ્તાઓ ભરવા છતાં અન્ય માંડવરાયજી મંડળીના નામની 66.35 લાખ રૂપિયા 15 દિવસમાં ભરવાની રિકવરી નોટિસ મળી હતી જે નોટિસ આવતા ફ્લેટ હોલ્ડરોને ખ્યાલ પડ્યો અને બિલ્ડરે પાંચ વર્ષથી છૂપાવેલી કે બારોબાર બાબુભાઈ માધાભાઈ સિંધવ તથા હેમલ દીપકભાઈ સોમૈયાને જામીન તરીકે દર્શાવીને લીધેલી લોનના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. અંતે બધા ફ્લેટ હોલ્ડરોએ એકત્રિત થઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
