બોક્સ ક્રિકેટ 400, સ્નૂકર 100 રૂપિયા…રાજકોટના કેકેવી બ્રિજ નીચેનો ગેમઝોન જન્માષ્ટમી પહેલા થશે શરૂ
છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે રાજકોટના સૌથી પહેલાં ઓવરબ્રિજ નીચેના ગેઈમ ઝોનનું સંચાલન સોંપવા સહિતની કાર્યવાહી પૂર્ણ થઈ ગયા બાદ જન્માષ્ટમીના તહેવારો પહેલાં આ ગેઈમ ઝોન શરૂ થઈ જનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

મહાપાલિકા દ્વારા કેકેવી (શ્રીરામ બ્રિજ) બ્રિજ નીચે ગેઈમ ઝોન બનાવવામાં આવ્યો છે જ્યાં બોક્સ ક્રિકેટ સહિતની અલગ-અલગ 15 રમતો રમી શકાશે. તાજેતરમાં જ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ ગેઈમ ઝોનનું સંચાલન રહે સ્પોર્ટસ એકેડેમી (હર્ષ પૂજારા)ને વર્ષે ૨.70 લાખના ખર્ચે ભાડે આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો : આજે છેલ્લો દિવસ ! રાજકોટના લોકમેળામાં કુલ સ્ટોલના 50 ટકા ફોર્મ ભરાયા

હવે અહીં ગેઈમ ઝોનમાં વસૂલવામાં આવનાર ફીના દર પણ સામે આવ્યા છે જે પ્રમાણે અહીં એક કલાક સુધી બોક્સ ક્રિકેટ રમવાના રૂા.400, સ્નુકરની એક ગેઈમના રૂ.100, પુલ ટેબલની એક ગેઈમના રૂા.50, સ્કેટિંગ રિન્કના દર મહિને 500, પીકલ બોલના પ્રતિ કલાકના રૂ.500, ઈલેક્ટ્રિક એર હોકીના 50 રૂપિયા પ્રતિ ગેઈમના દર નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીં ચેસ, કેરમ સહિતની રમતો પણ રમી શકાશે. આ ગેઈમ ઝોન સાંજે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલું રહેશે.
