બોટાદ જિલ્લાના ગઢડામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ગઢડા પોલીસ મથકના 28 વર્ષીય કોન્સ્ટેબલ પ્રહલાદભાઈ રણજીતભાઈ બાવળીયાએ પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે.પત્નીના સીમંત પહેલા જ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો છે. કયા કારણોસર આપઘાત કર્યો છે તેનું કારણ હજુ જાણી શકાયું નથી ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગઇકાલે ધૂળેટીની ઉજવણીમાં જ્યારે લોકો વ્યસ્ત હતા ત્યારે 28 વર્ષીય કોન્સ્ટેબલે આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી. અમદાવાદ જિલ્લાના ધંધૂકાના રહેવાશી અને ગઢડા પોલીસમાં ફરજ બજાવતા 28 વર્ષના પ્રહલાદ બાવળીયાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પોલીસ વિભાગમાં સોંપો પડી ગયો હતો.
પોલીસ કોન્સ્ટેબલના આપઘાત પાછળનું કારણ અકબંધ
ગઢડામાં પોલીસ કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા,પોલીસે તેના ઘરે જ આપઘાત કર્યો છે,તો મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે,તો પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામા આવશે,તો આપઘાતનું સાચું કારણ ત્યારે જ સામે આવશે જયારે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરશે.
પોલીસે શું કહ્યું?
માહિતી અનુસાર પ્રહલાદ બાવળીયા કોન્સ્ટેબલ તરીકે ગઢડા પોલીસમાં ફરજ બજાવતો હતો. આ મામલે ગઢડા પોલીસના ટોચના અધિકારીએ માહિતી આપી હતી કે પ્રહલાદ છસીયાણા, ધંધૂકાના રહેવાશી હતા. તે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પ્રહલાદે પોતાના ઘરે જ આત્મહત્યા કરી હતી. હાલમાં તેમનો મૃતદેહ કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.