- રાજકોટ સિવિલમાં એમ્બ્યુલન્સની અછત સહિતના મુદ્દે મિટિંગમાં ચર્ચા કરીશું નો એક જ જવાબ
- આરોગ્ય મંત્રીને સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જનની નિમણુંક સહિતના સવાલો પુછાયા
જૂનાગઢ અને ભાવનગર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલની સમીક્ષા માટે આવેલા રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલના ઇમરજન્સી સહિતના વિવિધ વિભાગોની મુલાકાત લીધા બાદ પત્રકારોને સંબોધ્યા હતા. જો કે, સિવિલમાં ન્યુરો સર્જનની નિમણુંક, બંધ એમ્બ્યુલન્સ સહિતના પ્રશ્નોનો મારો ચાલતા તેઓએ મિટિંગમાં તમામ બાબતોની ચર્ચા કરી સમસ્યાનું નિરાકરણ આવશે તેવો ઉત્તર આપ્યો હતો. સાથે જ રાજ્યમાં બોગસ ડોક્ટરોના રાફડા અંગેના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ આવતા ટૂંક સમયમાં જ બોગસ ડોકટરો ઓળખાઈ જશે અને એક પણ બોગસ ડોક્ટરને બક્ષવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ભાવનગર અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ શનિવારે રાજકોટની પંડિત દીનદયાળ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ તેમજ આરોગ્ય કમિશનર પણ સાથે રહ્યા હતા અને રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી સહિતના જુદા-જુદા વિભાગોની વિઝીટ કરી જાણકારી મેળવી હતી. આ તકે, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પ્રજાને સારામાં સારી આરોગ્ય સુવિધા મળે તે માટે પ્રયાસ કરી રહી છે અને આ હોસ્પિટલની મુલાકાત લેવાનો ઉદેશ્ય પણ એજ હોવાનું કહી તેમને ઉમેર્યું હતું કે, હોસ્પિટલમાં ખૂટતી સુવિધા સહિતની બાબતો તેમજ તબીબોને પડતી મુશ્કેલી અંગે પણ તેઓ જાણકારી મેળવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ આરોગ્યમંત્રી સમક્ષ સિવિલમાં ફક્ત ચાર જ એમ્બ્યુલન્સ ચાલુ હોવાનું તેમજ ન્યુરો સર્જન સહિતના તબીબો ન હોવાના સવાલ પૂછવામાં આવતા તેઓએ આ બાબતની જાણકારી ન હોવાનું જણાવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો સાથે વિગતવાર ચર્ચા કરી રાજકોટને ખૂટતી તમામ સુવિધાઓ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. દરમિયાન આરોગ્યમંત્રી સમક્ષ રાજ્યમાં બોગસ ડોકટરો અંગેના દુષણ અંગે સવાલ પૂછવામાં આવતા તેમને જણાવ્યું હતું કે, રાજ્યમાં મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની અમલવારી ચાલુ છે જેમાં તમામ ડોક્ટરોના રજીસ્ટ્રેશન થઇ રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં બોગસ તબીબોનો પર્દાફાશ થશે તેમ જણાવી એકપણ બોગસ તબીબને બક્ષવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.