ભાજપે પહેલીવાર ચોંકાવ્યા નહીં ! : મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર
ત્રણેય મહત્ત્વના હોદ્દા માટે અપેક્ષિત' નામની જ થયેલી જાહેરાતઃ દંડક તરીકે વૉર્ડ નં.2માંથી મનિષ રાડિયા અને શાસક નેતા તરીકે પહેલીવાર મહિલા નેતાની પસંદગી કરીને વૉર્ડ નં.11ના લીલુબેન જાદવને સોંપેલી જવાબદારી પેટાઃ
જે નામ બહુ જ ગુંજ્યું તે આવ્યું નહીં’ની પેટર્ન જાળવી રખાઈ પરંતુ જાહેર કરાયેલા નામથી કોઈને આશ્ચર્ય ન થયું તે પણ નવી વાત !
પાંચ હોદ્દેદારો ઉપરાંત 12 સભ્યોની સ્ટેન્ડિંગ કમિટીમાં છ મહિલા કોર્પોરેટરોને સ્થાનઃ 15 સમિતિઓના ચેરમેન-સભ્યોની પણ જાહેરાત
રાજકોટ મહાપાલિકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક અને શાસક પક્ષ નેતા એમ પાંચ મહત્ત્વના હોદ્દા ઉપરાંત અલગ-અલગ 15 સમિતિઓના ચેરમેન-સભ્યોની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ દ્વારા મેયર તરીકે વૉર્ડ નં.4ના મહિલા કોર્પોરેટર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર તરીકે વૉર્ડ નં.3ના નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે વૉર્ડ નં.2ના કોર્પોરેટર જયમીન ઠાકર, દંડક તરીકે વૉર્ડ નં.2ના કોર્પોરેટર મનિષ રાડિયા તેમજ શાસક પક્ષના નેતા તરીકે પહેલી વખત મહિલાને જવાબદારી સોંપતાં વૉર્ડ નં.11ના કોર્પોરેટર લીલુબેન જાદવના નામ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
જો કે જે રીતે ભાજપ અત્યાર સુધી પદાધિકારીઓના નામો જાહેર કરીને ચોંકાવતું આવ્યું છે તેવી શૈલી આ વખતની જાહેરાતમાં જોવા મળી નથી કેમ કે મેયર, ડે.મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે જે નામો વારંવાર ચર્ચામાં આવ્યા તેમાંથી જ પસંદગી ઉતારી છે મતલબ કે ચર્ચામાં ન આવ્યું હોય તેવું નામ જાહેર કરવામાં આવ્યું નથી. આ સાથે જ જે નામ બહુ ગુંજ્યું તેને બાદ કરવાની પેટર્ન જાળવી રાખવામાં આવી છે પરંતુ જાહેર કરાયેલા નામથી કોઈને આશ્ચર્ય પણ ન થયું તે વાત નવી ગણી શકાય કેમ કે આ તમામ નામો પહેલાંથી જ `અપેક્ષિત’ હતા !
ભાજપ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત કમિટીમાં સામેલ બારેય સભ્યોની જાહેરાત કરી છે જેમાં છ જેટલા મહિલા નગરસેવિકાઓને સ્થાન આપવામાં આવ્યું છે જે ચીલો નવો ચાતરવામાં આવ્યો હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. જ્યારે વિવિધ 15 સમિતિના ચેરમેન અને સભ્યોની જાહેરાત પણ કરી દેવામાં આવી છે.
મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન તરીકે રેસ'માં સામેલ
મુરતીયા’ને સ્ટે.કમિટીમાં સમાવી સાચવી' લેવાયા ! ભાજપ દ્વારા નવનિયુક્ત સ્ટેન્ડિંગ કમિટીની જાહેરાત કરવામાં આવી છે જેમાં અનેક નામો એવા છે જેમના નામ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકેની
રેસ’માં સામેલ હતા. જો કે આ તમામને સ્ટેન્ડિંગ કમિટીમાં સમાવીને `સાચવી’ લેવામાં આવ્યા હોવાનો ગણગણાટ પણ સાંભળવા મળી રહ્યો છે. આ નામોમાં ભારતીબેન પરસાણા, નરેન્દ્રસિંહ વાઘેલા, દેવાંગ માંકડ, જ્યોત્સનાબેન ટીલાળા, નેહલ શુક્લ સહિતનાનો સમાવેશ થાય છે.
સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો
જયમીન ઠાકર ચેરમેન
દક્ષાબેન વસાણી સભ્ય
ભારતીબેન પરસાણા સભ્ય
મંજુબેન કુંગશીયા સભ્ય
હાર્દિક ગોહિલ સભ્ય
વર્ષાબેન રાણપરા સભ્ય
દેવાંગ માંકડ સભ્ય
નરેન્દ્રસિંહ વાઘેલા સભ્ય
જ્યોત્સનાબેન ટીલાળા સભ્ય
બીપીન બેરા સભ્ય
નેહલ શુક્લ સભ્ય
રૂચિતાબેન જોષી સભ્ય
15 સમિતિઓના ચેરમેન
સમિતિ ચેરમેન
બાંધકામ ભાવેશ દેથરીયા
સેનિટેશન નિલેશ જલુ
સમાજ કલ્યાણ સુરેન્દ્રસિંહ વાળા
આરોગ્ય કેતન પટેલ
લાઈટિંગ કાળુભાઈ કુંગશીયા
વોટર વર્કસ અશ્વિન પાંભર
કાયદો-નિયમો દેવુબેન જાદવ
માર્કેટ રવજી મકવાણા
હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ-ક્લિયરન્સ નીતિન રામાણી
પ્લાનિંગ ચેતન સુરેજા
ડે્રનેજ સુરેશ વસોયા
બાગ-બગીચા અને ઝૂ સોનલબેન સેલારા
શીશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજના-અગ્નિશામક દિલીપ લુણાગરીયા
માધ્યમિક શિક્ષણ-આનુષાંગિક શિક્ષણ રસિલાબેન સાકરિયા
એસ્ટેટ મગન સોરઠિયા
આલેલે…ભાજપે તો રોન' કાઢી !! મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની પસંદગી કરવામાં ભાજપે રીતસરની
રોન’ કાઢી હોવાનું ચિત્ર ઉપસ્થિત થયું છે ! સૌથી પહેલાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની વાત કરવામાં આવે તો જયમીન ઠાકર વૉર્ડ નં.2ના નગરસેવક છે, આ રીતે 2' નંબરમાંથી સ્ટેન્ડિંગ ચેરમેન આવ્યા છે, આ પછી ડેપ્યુટી મેયરની વાત કરવામાં આવે તો નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજા વૉર્ડ નં.3ના નગરસેવક છે, આ રીતે
3′ નંબરમાંથી ડેપ્યુટી મેયર આવ્યા છે અને મેયરની વાત કરવામાં આવે તો નયનાબેન પેઢડીયા વૉર્ડ નં.4ના નગરસેવિકા છે, આ રીતે `4′ નંબરમાંથી મેયર મળ્યા છે. આ રીતે વૉર્ડ નં.2,3,4માંથી મહાપાલિકાના ત્રણ મહત્ત્વના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી છે.
15 સમિતિઓમાં અનેક રિપિટ, જો કે સમિતિ બદલાઈ
મહાપાલિકા દ્વારા વિવિધ 15 સમિતિઓના ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે જેમાં અનેક નામ એવા છે જેઓ પાછલી અઢી વર્ષની ટર્મમાં સમિતિ ચેરમેન રહી ચૂક્યા છે. જો કે જે નામનો રિપિટ થયા છે તેમની સમિતિમાં આ વખતે ફેરફાર થયો છે. જ્યારે અમુક સમિતિના ચેરમેન એવા પણ આવ્યા છે જેમને પહેલી વખત જવાબદારી મળી છે.
પહેલીવાર કોર્પોરેટર બન્યા’ને મળી મેયર-ડેપ્યુટી મેયરની જવાબદારી
રાજકોટ મહાપાલિકાના 22મા મેયર તરીકે નયનાબેન પેઢડીયાની પસંદગી કરવામાં આવે છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજાને પસંદ કરવામાં આવ્યા છે. આ બન્ને કોર્પોરેટરો એવા છે જેઓ 2021માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા અને અઢી વર્ષની અંદર જ તેમને આટલી મહત્ત્વની જવાબદારી મળી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર ભાજપના સીનિયર નગરસેવક છે.
એમ.એ.બીએડનો અભ્યાસ કરી ચૂકેલા નયનાબેન અનેક જવાબદારીઓ નીભાવી ચૂક્યા છે
મેયર તરીકે પસંદગી પામેલા નયનાબેન પેઢડીયા એમ.એ. બીએડ સુધીનો અભ્યાસ કરી ચૂકેલા છે. આ ઉપરાંત તેમણે પક્ષમાં અનેક મહત્ત્વની જવાબદારીઓ નીભાવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું બેકગ્રાઉન્ડ ધરાવતાં નયનાબેન સેવાકીય કાર્યોમાં પણ અવ્વલ રહ્યા છે.
ડે.મેયર નરેન્દ્રસિંહ (ટીકુભા) વ્યવસાયે બિલ્ડર, સેવાકાર્યોમાં પણ અવ્વલ
ડેપ્યુટી મેયર બનેલા નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજા વ્યવસાયે બિલ્ડર છે સાથે સાથે સેવાકાર્યોમાં પણ અવ્વલ રહ્યા છે. ખાસ કરીને કોરોનાકાળ વખતે તેમણે કરેલા સેવાકાર્યો નોંધપાત્ર રહ્યા હતા. આ ઉપરાંત પોતાના વિસ્તારના લોકોને ગમે ત્યારે મદદ કરવા માટે તત્પર રહે છે.
સ્ટે. ચેરમેન જયમીન ઠાકરને 27 વર્ષની સેવા'નું મળ્યું ઈનામ વૉર્ડ નં.2ના નગરસેવક જયમીન ઠાકરને પક્ષની 27 વર્ષ સુધી કરેલી
સેવા’નું ઈનામ મળ્યું હોય તેવી રીતે તેમને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. ચેરમેન તરીકે તેમણે અનેક સ્વપ્ન પણ સેવ્યા છે જેના ઉપર આજથી જ અમલ પણ શરૂ કરી દીધો છે.
પહેલી વખત લેઉવા પટેલ સમાજમાંથી આવતાં કોર્પોરેટર બન્યા મેયર
ભાજપ દ્વારા પહેલી વખત લેઉવા પટેલ સમાજમાંથી આવતાં કોર્પોરેટરને મેયર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વૉર્ડ નં.2ને `લોટરી’ લાગી હોય તેમ આ વૉર્ડમાંથી જ આવતાં ડૉ.દર્શિતાબેન શાહ ધારાસભ્ય તરીકે કાર્યરત છે સાથે સાથે હવે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર પણ વૉર્ડ નં.2માંથી અને દંડક મનિષ રાડિયા પણ વૉર્ડ નં.2માંથી જ આવે છે.