દિલ્હીથી શરૂ થયેલો રાજકીય ઘર્ષણ હવે ગુજરાત સુધી પહોંચ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલ્હી નિવાસસ્થાન બહાર કોંગ્રેસના પ્રદર્શનના વિરોધમાં ભાજપે અમદાવાદમાં મોરચો માંડ્યો. કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય “રાજીવ ગાંધી ભવન” બહાર ભાજપના કાર્યકરોએ ઉગ્ર ધરણા કર્યા. સ્થિતિને જોતા પોલીસે પણ કિલ્લેબંધી કરી દીધી અને આખો વિસ્તાર છાવણીમાં ફેરવાયો.
ભાજપનો ઉગ્ર વિરોધ, પ્રદેશ પ્રમુખ મેદાનમાં
ગઈકાલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશે આજે અમદાવાદમાં શક્તિ પ્રદર્શન કર્યું.
રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલા આ ધરણા પ્રદર્શનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત પ્રદેશ પદાધિકારીઓ, વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. નેતાઓએ કોંગ્રેસના વિરોધને “અલોકતાંત્રિક” અને “અપમાનજનક” ગણાવીને સૂત્રોચાર કર્યા.
આ પણ વાંચો: સોનામાં ઉછાળો, MCX પર 1.45 લાખને પાર, ચાંદી ₹2.26 લાખ નજીક
પોલીસનો લોખંડી પહેરો, સમગ્ર વિસ્તાર કોર્ડન
વિરોધ પ્રદર્શનને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પ્રશાસને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.
– ડબલ લેયર બેરિકેડિંગ: કોંગ્રેસ ભવન તરફ જતા તમામ મુખ્ય રસ્તાઓ પર બે સ્તરમાં બેરિકેડ્સ લગાવવામાં આવ્યા.
– અધિકારીઓનો કાફલો: JCP, DCP, ACP, PI અને PSI સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા.
– ઝોન 7 અને આસપાસના પોલીસ સ્ટેશનની ટીમો: સમગ્ર વિસ્તારમાં વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો.
પોલીસે પ્રદર્શનકારીઓને નિયંત્રિત કરીને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા અપીલ કરી હતી.
ગુજરાતના રાજકારણમાં પ્રત્યાઘાત
દિલ્હીના મુદ્દાને લઈને અમદાવાદમાં થયેલા આ વિરોધથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ દ્વારા કોંગ્રેસના કાર્યાલય સુધી વિરોધ લઈ જવાતા બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ વધુ તેજ થયું છે.
હાલ પોલીસની દેખરેખ હેઠળ સ્થિતિ નિયંત્રણમાં છે.
