રાજકોટમાં સામાન્ય બાબતે મોટી બબાલ : ‘તમને રેલવેના પાટે જ ફેંકી દેવા છે’ કહી ભંગારના ધંધાર્થીએ મજૂરોને ધોકાવ્યા
રાજકોટમાં હવે સામાન્ય બાબતે મોટી બબાલ થવાના બનાવો વધી ગયા છે ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ભંગારના પૈસા બાબતે ત્રણ શખસોએ મજૂરોને બેફામ માર મારી `તમને રેલવેના પાટે જ ફેંકી દેવા છે’ તેવી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે મોરબી રોડ પર બાલાજી સોસાયટી શેરી નં.2માં રહેતા હુસેન સુલેમાનભાઈ નરૈયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે જામનગર રોડ પર ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ પાસે રસના ઈન્સ્ટ્રીયલ ઝોનમાં આવેલા પ્લાસ્ટિકના ભંગારના ડેલામાં પ્લાસ્ટિક જુદી કરી વેચવાનું કામ કરે છે. આ જ પ્રમારે તેણે પ્લાસ્ટિકનો ભંગાર એકઠો કરી હુસેન, તેનો ભાઈ અબ્દુલ, યાસીન અને જાસીન સુપર એન્ટરપ્રાઈઝ (ઝુલેલાલ એન્ટરપ્રાઈઝ) કે જે જામનગર રોડ પર જ આવેલું છે ત્યાં પ્લાસ્ટિંકનો ભંગાર વેચવા ગયા હતા.
આ વેળાએ કાર્તિક મોહનભાઈ ટેવાણીએ પ્લાસ્ટિકના ભંગારનો વજન કરીને કહ્યું હતું કે પ્લાસ્ટિકમાં વરસાદના પાણીનો ભેજ હોય 10 કિલો માલ ગણવામાં આવશે નહીં. આવું ન કરવા કાર્તિકને કહેતા કાર્તિક ઉશ્કેરાઈને ગાળાગાળી કરવા લાગ્યો હતો અને ફડાકા મારી દેતાં તેને અટકાવ્યો હતો. આ પછી કાર્તિકના પિતા મોહન અને તેની સાથે વાઘજી ઉર્ફે વાઘો આવીને ચારેય ભાઈઓ ઉપર તૂટી પડી વાઘાએ `આ લોકોને જવા દેવાના નથી, ટ્રેનના પાટે ફેંકી દેવાના છે’ કહી ધમકી આપતા ફરિયાદ નોંધાવી હતી.
