લોરેન્સના સાથી હાશિમ બાબાનો મોટો ધડાકો : ગેંગસ્ટર બિશ્નોઈ પાસે સાબરમતી જેલમાં બે સેલ ફોન છે !!
ઓગસ્ટ મહિનામાં દિલ્હીમાં એક જીમના માલિકની હત્યાના કેસમાં પકડાયેલા શૂટર હસીમ બાબાએ તેની સાથે લોરેન્સ બિશ્નોઈએ સાબરમતી જેલમાંથી અનેક વખત વાત કરી હોવાની કબુલાત આપી હતી. તેણે જણાવ્યા મુજબ લોરેન્સ બિશ્નોઈએ વિડીયો કોલ કરી તેને બે સેલફોન દેખાડ્યા હતા અને તેના માટે સાબરમતી જેલમાં ‘વિશેષ વ્યવસ્થા’ હોવાનું જણાવ્યું હતું. હસીમ બાબાએ એ કબુલાત માટે જેલ સત્તાવાળાઓને અરજી કર્યા બાદ કાનૂની પ્રતિક્રિયા અંતર્ગત તેની એક કબુલાત રેકોર્ડ કરવામાં આવી હતી.
હાસીમ બાબાએ જણાવ્યા અનુસાર લોરેન્સ બિષનોઇએ દિલ્હીના જીમ માલિક અફઘાન નાગરિક નાદિર શાહની હત્યાની જવાબદારી અમેરિકા સ્થિત ગેંગસ્ટર રણદીપ મલિકને સોંપી હતી અને હાસીમ બાબાને ફોન કરી શુટરોને લોજિસ્ટિક સપોર્ટ આપવા જણાવ્યું હતું. લોરેન્સ ની સૂચના પરથી રણદીપ મલીકે હાસિમ બાબાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

હસીમ બાબાએ કરેલી કબુલાતમાં જણાવ્યા અનુસાર તે પોતે 2021માં તિહાર જેલમાં હતો ત્યારે લોરેન્સ બીષનોઇને પંજાબની જેલમાંથી ત્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તે દરમિયાન બંને વચ્ચે સંબંધો બંધાયા હતા. બાદમાં લોરેન્સ બિશ્નોઇને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યાંથી તેણે અનેક વખત હાસીમ બાબા સાથે ફોન ઉપર વાત કરી હતી.
છેલ્લે તેણે વિડીયો કોલ કરી જેલમાં તેની પાસે રહેલા બે મોબાઈલ ફોન દેખાડ્યા હતા. નાદિર શાહની હત્યામાં લોરેન્સ બિશ્નોઇ મુખ્ય સૂત્રધાર હોવાનું જણાયા બાદ દિલ્હી પોલીસે તેની સામે ગુનો નોંધી સાબરમતી જેલમાં તેની પૂછપરછ કરી હતી પરંતુ તેણે તપાસમાં સહકાર ન આપ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
લોરેન્સ બિશ્નોઇ સાબરમતી જેલમાંથી ફોન દ્વારા ગેંગનું સંચાલન કરતો હોવાના આ અગાઉ પણ આક્ષેપો થયા હતા. જૂન મહિનામાં તે પાકિસ્તાનના ગેંગસ્ટર શાહનવાઝ ભટ્ટી સાથે વાત કરતો હોય તેવી વિડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. પંજાબમાં તે જેલમાં હતો ત્યારે જેલમાંથી બે ન્યુઝ ચેનલને તેણે ઇન્ટરવ્યૂ આપ્યા હતા. હવે હાસીમ બાબાની કબુલાતને પગલે લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાં વિશેષ સુવિધા મળતી હોવાના આક્ષેપોને બળ મળ્યું છે.જો કે ગુજરાત પોલીસે એ આક્ષેપોને સત્તાવાર રીતે નકાર્યા છે