ભૂપેન્દ્ર ઝાલાના રાજકીય-સરકારી ‘કનેક્શન’નો ટૂંક સમયમાં પર્દાફાશ :૬૦૦૦ કરોડના કૌભાંડી સાથે ‘સંબંધ’ રાખનારાના શ્વાસ અધ્ધર
- મહેસાણાના દવાડા ગામે કિરણસિંહ ઝાલા નામના મીત્રના ફાર્મહાઉસમાં
ઠાઠ'થી રહેતો ભૂપેન્દ્ર ગાડીમાંથી ઉતર્યો કે સીઆઈડી ક્રાઈમે દબોચી લીધો
કૌભાંડની ઝીણામાં ઝીણી વિગત ઓકાવવા ૭ દિવસના રિમાન્ડ પર લેવાયો
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના હજારો લોકો પાસેથી એક રૂપિયાનું રોકાણ કરાવીને ત્રણ રૂપિયા આપવાની લાલચ આપી ૬૦૦૦ કરોડથી વધુની રકમ ઉસેડી લેનારા સાબરકાંઠામાં હિંમતનગરના ભૂપેન્દ્રસિંહ ઝાલાને સવા મહિનાની જહેમત બાદ આખરે સીઆઈડી ક્રાઈમે દબોચી લીધો છે ત્યારે તેની સાથે સંબંધ રાખનારા અનેક લોકોના શ્વાસ અધ્ધર ચડી જવા પામ્યા છે. બીજી બાજુ પોલીસ દ્વારા જેટઝડપે તપાસ શરૂ કરી દેવામાં આવી હોય ટૂંક સમયમાં જ તેના રાજકીય અને સરકારી કનેક્શનનો પર્દાફાશ થવાના ભણકારા વાગી રહ્યા છે. દરમિયાન સીઆઈડી ક્રાઈમના એસપી ચૈતન્ય મંડલિકેવોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહેસાણા ગામના દવાડા ગામે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે ફાર્મહાઉસમાં રોકાયો હતો તે તેના મિત્ર કિરણસિંહ ઝાલા નામની વ્યક્તિનું હોવાનું ખુલ્યું છે. ભૂપેન્દ્રસિંહ અહીં `ઠાઠ’થી રહેતો હતો અને તેના માટે સઘળી વ્યવસ્થા કિરણસિંહ દ્વારા જ કરવામાં આવી હતી ત્યારે આશરો આપનારા કિરણસિંહની પણ ધરપકડ કરી લેવામાં આવી છે સાથે સાથે તેનું કોઈ રાજકીય કનેક્શન છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. ભૂપેન્દ્રસિંહને પકડવા માટે ટીમ ફાર્મહાઉસ બહાર જ વોચમાં ઉભેલી હતી જેવો તે ગાડીમાંથી ઉતર્યો કે તુરંત જ દબોચી લેવાયો હતો.

બીજી બાજુ ભૂપેન્દ્રસિંહ ઝાલાને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કરતાં હવે કૌભાંડની ૬૦૦૦ની રકમ તેણે ક્યાં ક્યાં વાપરી, તેની સાથે કોણ કોણ સામેલ હતું, સવા મહિના સુધી તે ક્યાં ક્યાં રોકાયો હતો, રાજકીય તેમજ સરકારી વિભાગમાં તેની સાથે કોની કોની ઓળખાણ છે તે સહિતના મુદ્દા પરથી પરદો ઉંચકવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારથી ભૂપેન્દ્રસિંહ ઝાલા એન્ડ ટોળકી દ્વારા બીઝેડ નામની અલગ-અલગ કંપની શરૂ કરી તેના નામે કરોડો રૂપિયા ઉઘરાવી નવ દો ગ્યારહ થઈ ગયા બાદ રાજકીય ભૂકંપ આવી ગયો હતો. વિપક્ષ દ્વારા ભાજપ ઉપર એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ભૂપેન્દ્રસિંહને ભાજપ દ્વારા જ ઉછેરવામાં આવ્યો છે સાથે સાથે ટોચના નેતાઓ સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાની તસવીરો પણ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવી હતી ત્યારે ભૂપેન્દ્રસિંહની પહોંચ ક્યાં સુધીની હતી તે સહિતના મુદ્દા ઉજાગર થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.