ભારત ટેક્સી : 10 દિવસમાં 51,000 ડ્રાઇવરો જોડાયા, સૌથી વધુ રાજકોટમાં! ઓલા-ઉબેર-રેપીડો સાથે સ્પર્ધા,ગુજરાત-દિલ્હીમાં ટ્રાયલ શરૂ
દેશમાં ઓલા, ઉબેર અને રેપીડો એટલે કે એપ આધારિત ટેક્સી સેવાનું ચલણ વધી રહ્યુ છે ત્યારે લોકોને કિફાયતી દરે અને સલામત ટેક્સી સેવા મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકારે દેશની સૌ પ્રથમ સહકારી મોડેલ ઉપર આધારિત ભારત ટેક્સી શરુ કરવાનો નિર્ણય લીધો છે અને દિલ્હી તેમ જ ગુજરાતમાં તેની ટ્રાયલ પણ શરૂ થઇ ગઈ છે. આશ્ચર્યની વાત એ છે કે, આ ટેક્સી સેવા લોન્ચ થાય એ પહેલા જ તે વિશ્વની સૌથી મોટી ડ્રાઈવરની માલિકીની સહકારી ગતિશીલતા બની ગઈ છે. પ્રાપ્ય આંકડાઓ અનુસાર દસ દિવસમાં જ ૫૧,૦૦૦ જેટલા ડ્રાઈવરોએ તેમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ડ્રાઈવર રજિસ્ટ્રેશનમાં રાજકોટ સૌથી આગળ છે.
દેશની પ્રથમ સહકારી-મોડેલ રાઇડ-હેલિંગ એપ, ‘ભારત ટેક્સી’ સેવા સહકારી ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા સંચાલિત છે, જે અમૂલ, ઇફકો, નાબાર્ડ, એન.સી.ડી.સી, ક્રિભકો, નાફેડ, એન.સી.ઈ.એલ અને એનડીડીબી જેવી દેશની ટોચની આઠ અગ્રણી સહકારી સંસ્થાઓનું જૂથ છે. તેના મુખ્ય પ્રમોટરોમાં સંસ્થાઓનો સમાવેશ થાય છે, જે પ્રોજેક્ટને વિશ્વસનીય અને વ્યાપક સમર્થન પૂરું પાડે છે.
હાલમાં દિલ્હી અને ગુજરાતમાં તેની ટ્રાયલ રન શરુ થઇ ગઈ છે. પાયલોટ ઓપરેશનના ભાગ રૂપે હાલમાં દિલ્હીમાં કાર, ઓટો અને બાઇક ટેક્સી સેવાઓ કાર્યરત છે. ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં અને ખાસ કરીને રાજકોટમાં ડ્રાઇવર નોંધણીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં બે દિવસમાં જ 1000 ડ્રાઈવરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અમદાવાદમાં આગામી અઠવાડિયાથી રજિસ્ટ્રેશન શરુ થશે. અત્યારના સોફ્ટ લોન્ચ બાદ ધીરે ધીરે સમગ્ર ગુજરાતને આવરી લેવામાં આવશે.
આ પણ વાંચો :યાત્રીગણ કૃપીયા ધ્યાન દે…તત્કાલ ટિકિટ પર પણ OTP ફરજિયાત, ટિકિટ કાઉન્ટર પર નવી સિસ્ટમ લાગુ કરવા નિર્ણય
દરમિયાન સહકાર મંત્રી અમિત શાહે સંસદમાં જણાવ્યું હતું કે સરકાર ‘ભારત ટેક્સી’ એપ લોન્ચ કરવાની યોજના ધરાવે છે, જેનો ઉદ્દેશ્ય દેશના વાણિજ્યિક વાહન ચાલકોને ખાનગી કંપનીઓ પર નિર્ભરતામાંથી મુક્ત કરવાનો છે.
ભાડુ અને નફો બધુ ડ્રાઈવરના ખાતામાં
સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડના ચેરમેન જયેન મહેતાના મતે, ભારત ટેક્સીનું સૌથી આકર્ષક પાસું તેનું શૂન્ય-કમિશન માળખું છે. આ મોડેલ હેઠળ, ડ્રાઇવરને દરેક રાઇડમાંથી સંપૂર્ણ કમાણી મળે છે. સહકારી દ્વારા ઉત્પન્ન થતો કોઈપણ નફો સીધો સભ્યો, એટલે કે ડ્રાઇવરોમાં વહેંચવામાં આવશે. પ્લેટફોર્મ કોઈપણ છુપી ફી અથવા સેવા શુલ્ક કાપશે નહીં. આ મોડેલ વર્તમાન એપ્લિકેશન-આધારિત કંપનીઓની 20-30% કમિશન કલેક્શન સિસ્ટમથી સંપૂર્ણપણે અલગ છે અને ડ્રાઇવરોને વધુ સારી આવક અને નાણાકીય સુરક્ષાની ખાતરી આપે છે.
મુસાફરો માટે ઇ-સુવિધાઓ
ભારત ટેક્સી ફક્ત ડ્રાઇવરો માટે જ નહીં પરંતુ મુસાફરો માટે પણ સુવિધાઓથી ભરપૂર છે. એપ્લિકેશનમાં પારદર્શક ભાડા સિસ્ટમ, લાઇવ વાહન ટ્રેકિંગ, બહુભાષી સપોર્ટ, 24×7 ગ્રાહક સપોર્ટ, કેશલેસ/રોકડ ચુકવણી વિકલ્પો અને સલામત મુસાફરી માટે દિલ્હી પોલીસ સાથે જોડાણનો સમાવેશ થાય છે. મુસાફરોની સુવિધા વધારવા માટે, એપ્લિકેશનને મેટ્રો અને અન્ય પરિવહન સેવાઓ સાથે પણ સંકલિત કરવામાં આવી રહી છે, જેનાથી ડોર-ટુ-ડોર ગતિશીલતા સરળ બને છે. સફળ પાઇલટ પ્રોજેક્ટને પગલે, ભારત ટેક્સી ધીમે ધીમે રાષ્ટ્રીય સ્તરે શરૂ કરવામાં આવશે.
