લોભામણી જાહેરાતથી ચેતજો! ટેલીગ્રામમાં ઘર બેઠા જોબ કરવાની જાહેરાત જોઈ રોકાણ કરતા ગૃહિણીએ લાખો રૂપિયા ગુમાવ્યા
રાજકોટ શહેરમાં સોશિયલ મીડિયાની લોભામણી જાહેરાતમાં આવતા પૈસા ગુમાવવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ટેલીગ્રામમાં ઘર બેઠા જોબ કરવાની જાહેરાત જોઈને ગૃહિણીએ પ્રથમ 19 હજારના રોકાણનું વળતર મળતા ધીમે ધીમે કુલ 6.60 લાખનું રોકાણ કર્યું પણ પૈસા પરત ન આવતા આખરે તેણીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી હતી.
મળતી માહિતી મુજબ, મવડી નવલ નગર શેરી નંબર આઠમાં રહેતા આશાબેન મનસુખભાઈ હરીપરાએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તારીખ 25/06/2025ના તે કરે હાજર હોય ત્યારે તેના ટેલિગ્રામ પર વીસમાયા ૨૨૫ નામથી એક અજાણી વ્યક્તિનું મેસેજ આવ્યો હતો અને ઘરે બેઠા જોબ કરીને રૂપિયા કમાવવાની ઓફર આપી હતી. આ ઓફરમાં આવી જતાં આશાબેને તે અંગે વધુ માહિતી મેળવી હતી ત્યારે સામેવાળા વ્યક્તિએ સમજાવ્યું હતું કે, એન.બી.સી.સી નામની કંપની સરકારી આવાસ યોજનાની કંપની છે જેમાં પૈસાનું રોકાણ કરવાથી બે કલાકમાં સારું એવું રિટર્ન મળશે.
જેથી તેણીએ પ્રથમ ૧૯ હજારનું રોકાણ કર્યું હતું જેના બદલામાં 20 હજાર વળતર પરત મળ્યું હતું. જેથી વધુ રોકાણ કરીને વધુ નફો કમાવાની લાલચમાં આશાબેને ધીમે-ધીમે 6.60 લાખનું રોકાણ કર્યું હતું પરંતુ મૂળી અને વળતર પરત નહીં મળતા પોતાની સાથે ફ્રોડ થયું હોવાનું ધ્યાને આવ્યું હતું. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
