પરસેવાથી રેબઝેબ થવા તૈયાર રહેજો !! હવામાન વિભાગે કરી હિટવેવની આગાહી, આ 4 જિલ્લામાં પડશે અંગ દઝાડતી ગરમી
ગુજરાતવાસીઓ થઈ જાવ તૈયાર. આગામી દિવસોમાં સૂરજ દાદા અંગ દઝાડતી ગરમી વરસાવશે. હવામાન વિભાગ દ્વારા ભયંકર ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, એ.કે. દાસે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે આગામી 6 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી આપવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપી છે.
એપ્રિલની શરૂઆત થતાંની સાથે જ સૂરજદાદા જાણે પોતાનો અસલી રંગ દેખાડવા લાગ્યા હોય તેમ તાપમાનનો પારો ઊંચકાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં તાપમાનનો પારો આગામી 6 દિવસમાં ઊંચકાશે. હવામાન વિભાગ દ્વારા ગરમીની આગાહી કરવામાં આવી છે જે મુજબ આગામી 8 એપ્રિલ 2025 સુધી હીટવેવની સ્થિતિને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ખાસ કરીને હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપી છે. આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.
ચાર જિલ્લામાં હીટવેવની આગાહી
રાજ્યમાં આજે બુધવારે (2 એપ્રિલ, 2025) હવામાન વિભાગે મધ્ય અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેવામાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીને લઈને હીટવેવનું યલો અને ઓરેન્જની આગાહી કરવામાં આવી છે. જેમાં આવતીકાલે 3 એપ્રિલથી 5 એપ્રિલ સુધી કચ્છ, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે.
6-7-8 એપ્રિલ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં આગાહી
આગામી 6-7-8 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ અને ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત સૌરાષ્ટ્રના મોરબી અને જૂનાગઢ જિલ્લામાં યલો એલર્ટ અને કચ્છ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે રાજકોટ શહેરમાં ગઇકાલે ૪૨.ર ડીગ્રી તાપમાન નોંધાયા બાદ આજે પણ પારો 41.2 ડીગ્રીએ પહોંચી ગયો છે.