APK ફાઇલ ખોલતાં પહેલા ચેતજો! વોટ્સએપ પર ટ્રાફિક મેમોની ફાઇલ ખોલતા જ રાજકોટના વેપારીના ખાતામાંથી 10.87 લાખ સાફ
શહેરમાં સાયબર માફિયાઓએ વધુ એક વૃધ્ધ વેપારીને જાળમાં ફસાવી ખંખેરી લીધા છે. રજપૂતપરા વિસ્તારમાં ‘હાઉઝટ સ્પોર્ટ કોર્નર’ ધરાવતા વેપારીને ટ્રાફિક ચલણના નામે વોટ્સએપ પર આવેલી APK ફાઇલ ખોલતાંની સાથે જ વેપારીના બેંક ખાતામાંથી કટકે-કટકે કુલ 10,87,790 ઉપડી ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો મુજબ, અક્ષર માર્ગ પર મૌલીક હરી સોસાયટીમાં રહેતા 62 વર્ષીય સંદીપભાઈ પ્રવીણચંદ્ર ગાંધીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. 26/12/25ના રોજ તેમના વોટ્સએપ નંબર પર અજાણ્યા નંબર પરથી ‘RTO TRAFFIC CHALLAN’ નામની એક ફાઇલ આવી હતી. પોતાના વાહનનું ચલણ આવ્યું છે કે કેમ તે ચકાસવા માટે સંદીપભાઈએ જેવી આ ફાઇલ ડાઉનલોડ કરીને ઓપન કરી કે તરત જ તેમનો મોબાઈલ ફોન હેંગ થઈ ગયો હતો. તે સમયે ફાઇલમાં કંઈ દેખાયું નહોતું, તેથી તેઓ બહાર નીકળી ગયા હતા.
આ પણ વાંચો :અંગદાનથી અમર બન્યા અશોકભાઈ : લીવર ટ્રાન્સપ્લાન્ટથી એક દર્દીને મળ્યું નવું જીવન, ગ્રીન કોરિડોર દ્વારા રાજકોટથી સુરત પહોંચ્યું લિવર
જે બાદ ગત તા. 06/01/2026ના રોજ સંદીપભાઈ જ્યારે HDFC બેંકમાં ચેક જમા કરાવી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમના મોબાઈલ પર બેંકમાંથી નાણાં કપાયા હોવાના ધડાધડ મેસેજ આવવા લાગ્યા હતા. ગભરાયેલા વેપારીએ તુરંત બેંક દોડી જઈ તપાસ કરતા જાણવા મળ્યું કે, તેમની જાણ બહાર ચાર ટ્રાન્ઝેક્સમાં કુલ 10.87 લાખ જેટલી રકમ ઉપડી ગઈ હતી.બેંક મેનેજરની સલાહ બાદ વેપારીએ તુરંત જ 1930 સાયબર હેલ્પલાઇન પર કોલ કરી ફરિયાદ નોંધાવી હતી અને પોતાના બંને બેંક ખાતા ફ્રીઝ કરાવ્યા હતા. આ મામલે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ એસ.ડી. ગિલવા અને તેમની ટીમે અજાણ્યા નંબર ધારક વિરુદ્ધ ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ આદર્યો છે.
