બગદાણા પ્રકરણ: લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનાં પુત્ર સહિત 6 આરોપીઓના જામીન મંજૂર, જયરાજ આહીર 14મા દિવસે જેલ બહાર આવશે
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનો પુત્ર 14માં દિવસે જેલની બહાર આવશે. જયરાજ આહીર સહિત 6 આરોપીઓના જામીન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. મહુવા કોર્ટમાં SITની એફિડેવિટ બાદ હાથ ધરાયેલી સુનાવણીમાં તમામનો જેલમુક્તિનો માર્ગ મોકળો થયો છે. તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાંજ સુધીમાં જયરાજ જેલમુક્ત થશે તેવી શક્યતા છે.
આ પહેલાં 2 ફેબ્રુઆરીએ પણ મહુવા કોર્ટે 8 અન્ય આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. તે દરમિયાન નવનીત બાલધિયાએ આરોપ લગાવ્યો હતો કે ભાવનગર જેલમાં જયરાજ આહીરને નિયમ વિરુદ્ધ VVIP સુવિધાઓ આપવામાં આવી રહી છે. તેણે આ મામલે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી CCTV ફૂટેજ તપાસવાની માંગ કરી હતી.
શું છે સમગ્ર મામલો?
સમગ્ર મામલો 29 ડિસેમ્બર 2025ના રોજ બગદાણામાં નવનીત બાલધિયા પર થયેલા હુમલાથી જોડાયેલો છે. નવનીત બાલધિયાના જણાવ્યા મુજબ આ હુમલાની પાછળ જયરાજ આહીર અને અન્ય આરોપીઓનું ષડયંત્ર હતું. આ કેસમાં SIT દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જયરાજ આહીરની પૂછપરછ પણ કરવામાં આવી હતી. નવનીત બાલધિયાએ SITને 15 પુરાવા આપ્યાનો દાવો કર્યો છે અને ન્યાય નહીં મળે તો સમાજ દ્વારા આંદોલન કરવાની ચીમકી આપી છે.
2 ફેબ્રુઆરીએ મહુવા કોર્ટે 8 આરોપીના જામીન મંજૂર કર્યા હતાં
- ઉત્તમ બાભણીયા
- રાજુ દેવાયત ભમ્મર
- આતું ભમ્મર
- વિરેન્દ્ર પરમાર
- સતીષ વનાળીયા
- ભાવેશ શેલાણા
- પંકજ મેર
- વીરુ શેરડા
જયરાજ આહીર સહિત 6 લોકોના જામીન મંજૂર
બગદાણામાં સામાજિક કાર્યકર અને કોળી અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલાથી બગદાણા મંદિર અને ટ્રસ્ટને લગતા કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યા હતા, જે બાદ તેમના પર જીવલેણ હુમલો થયો હતો. આ હુમલામાં જયરાજ આહીર અને તેના સાથીદારોના નામ ખુલતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. ત્યારે હવે આ મામલે માયાભાઇ આહીરના પુત્ર જયરાજ આહીર સહિત 6 લોકોના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
