બ્લેકમેઈલિંગ કેસમાં પકડાયેલા રાજકોટના ડૉક્ટર પાસેથી વીડિયો કબજે કરવા તજવીજ: ખંડણી માંગનારા 8 પત્રકાર સહિતના 11 ફરાર
રાજકોટના તબીબનો મહિલા સાથે હોય ત્યારે વીડિયો ઉતારી લઈ બોગસ પત્રકારોને આપ્યા બાદ શરૂ થયેલા ખંડણી માંગવાના ખેલમાં સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં આઠ પત્રકાર સહિત 12 લોકો સામે ગુનો દાખલ થતાં પોલીસે આ ગુનાના માસ્ટર માઈન્ડ એવા આયુર્વેદિક તબીબને પકડી પાડ્યો હતો. તબીબે છૂપા કેમેરા મારફતે હજારોની સંખ્યામાં વીડિયો ઉતારી લીધા હોય તે કબજે કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે.
પોલીસે આયુર્વેદિક તબીબ ડૉ.કમલ નાંઢાની ધરપકડ કર્યા બાદ તેની આગવી ઢબે કરાયેલી પૂછપરછમાં તેની પાસે ડૉક્ટરના સાધુ વાસવાણી રોડ ઉપર આવેલા ક્લિનિકનો એક નહીં બલ્કે અનેક વીડિયો હોવાથી આ વીડિયો કબજે કરવાની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ ડૉક્ટર પાસે 25 લાખની ખંડણી માંગનારા આઠ કથિત પત્રકાર સહિત 11 લોકો હજુ ફરાર છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડૉ.કમલ નાંઢા સાધુ વાસવાણી રોડ ઉપર રહે છે અને તેના પિતા નિવૃત્ત જીએસટી અધિકારી હોવાનું પણ સામે આવ્યું છે. ડૉ.કમલે આ સઘળું કારસ્તાન પસંદ પડી ગયેલી મહિલા ડૉક્ટરને પામવા માટે જ કર્યું હોવાનું હાલ લાગી રહ્યું છે. જો કે અન્ય આરોપીઓ પકડાયા બાદ વધુ ખુલાસાઓ થવાનું પણ નિશ્ચિત છે.
