અમદાવાદની શાળામાં શિક્ષક પર થયેલા હુમલાના રાજકોટમાં પડઘા, સુરક્ષા અંગે SOP બનાવવાની માગ સાથે કાળી પટ્ટી બાંધી વિરોધ
શિક્ષકોની સુરક્ષા માટે સરકાર અસરકારક પગલાં ભરે તેવી માંગણી સાથે સ્કૂલ સંચાલકોએ ડી.ઇ.ઓ.ને રજુઆત સાથે અમદાવાદમાં શાળામાં શિક્ષક પર છરી વડે થયેલાં હુમલાની ઘટનાનો કાળી પટ્ટી ધારણ કરી રાજકોટના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સહિત ગુજરાતમાં મંડળના સભ્યો દ્વારા અમદાવાદમાં નુતન ભારતી વિદ્યાલયમાં નજીવી બાબતે શિક્ષક પર છરી વડે હુમલાની ઘટનાને વખોડીને શિક્ષણ ક્ષેત્રમાં અસુરક્ષાની લાગણી ઊભી થઈ છે. આ ઘટના સામે શિક્ષણ જગતમાંથી વિરોધ ઊભો થયો છે.

જેને પગલે મંડળના હોદ્દેદારો, સંચાલકો અને શિક્ષકો દ્વારા રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને શિક્ષણ જગતની સલામતી શું..? શિક્ષકોની સલામતી માટે પગલા લેવા માંગણીઓ સાથે આવેદન પાઠવી રજુઆત કરી હતી.
આ પણ વાંચો : ગાંડીવેલને દૂર કરવા 1.12 કરોડ ખર્ચી નાખ્યા બાદ RMCને ભાન થયું કે કોઈ જ ફાયદો થયો નથી!
જેમાં જિલ્લામાં આવેલી તમામ ખાનગી અને સરકારી શાળાઓમાં સલામતી માટે અસરકારક વ્યવસ્થા, શાળાઓના પ્રવેશદ્વાર અને પરિસરમાં સુરક્ષા કર્મીઓ અને સીસીટીવી દ્વારા ધ્યાન રાખી અસામાજિક અને ક્રિમિનલ લોકો સામે સુરક્ષાના પ્રવેશ નિયમો અને એસોપી બહાર પાડવામાં આવે, તમામ શાળાઓમાં પ્રવેશ માટે વાલીઓ કે સામાજિક, રાજકીય સંગઠનો માટે ગાઈડલાઈન અને કાનૂની નિયમો દ્વારા શિસ્ત અને યોગ્ય વ્યવહાર અંગેની તાલીમ આપવામાં આવે. આ આવેદનપત્ર આપતી વખતે અધ્યક્ષ ભરત ગાજીપરા, પ્રમુખ જતીન ભરાડ, અજયભાઈ પટેલ, રાજકોટ શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા અને મહામંત્રી પરિમલ પરાડવા સહિત સંચાલકો અને શિક્ષકો હાજર રહ્યા હતા.