રાજકોટના લક્ષ્મીનગર-રામપાર્કમાં વરસતાં વરસાદે ડામરકામ : મેયરનો ‘રૂક જાવ’નો આદેશ !
જાન્યુઆરીથી જૂન મહિના સુધીના છ મહિના દરમિયાન મહાપાલિકા દ્વારા આખા રાજકોટને ડામરથી મઢી દેવાની સૂફિયાણી વાતો કરવામાં આવે છે. જો કે છ મહિના દરમિયાન માત્રને માત્ર જાહેરાત અને ત્યારબાદ ટેન્ડર સહિતની પ્રક્રિયા કરાયા બાદ ચોમાસું આવે ત્યાં સુધીમાં આ કાર્યવાહી ચાલ્યા બાદ વરસાદ શરૂ થાય કે ડામરકામ શરૂ કરી દેવામાં આવે છે ! આ વર્ષે પણ આવું જ જોવા મળી રહ્યું છે. શહેરના વોર્ડ નં.8ના લક્ષ્મીનગરમાં ઘણા વર્ષોથી પાક્કા રસ્તા ન હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ આખરે ત્યાં ડામરરોડ કરવાનું શરૂ તો કરાયું પણ આ કામ વરસતાં વરસાદે શરૂ કરાતાં લતાવાસીઓ પણ ઉકળી ઉઠ્યા હતા. આખરે લોકોનો રોષ વધુ પડતો ઉગ્ર બની જતાં મેયર નયનાબેન પેઢડિયા દ્વારા લક્ષ્મીનગર જ નહીં બલ્કે શહેરમાં દરેક સ્થળે ચાલતાં ડામરકામને અટકાવી દેવાનો આદેશ આપવો પડ્યો હતો.

લક્ષ્મીનગરના રહેવાસીઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે વરસાદ ન્હોતો આવી રહ્યો ત્યારે અહીં ડામરકામ કરવાનું તંત્રને સૂઝ્યું ન્હોતું અને જેવો વરસાદ શરૂ થયો કે ડામરકામ કરવા માટે નીકળી પડ્યા છે. અમારે આ પ્રકારના રોડ-રસ્તાનું કશું જ કામ નથી કેમ કે આ રોડ ગમે ત્યારે તૂટી શકે છે. વળી, તૂટેલા ડામરના ટુકડા પણ મહિલાઓએ `લાઈવ’ બતાવ્યા હતા ! બીજી બાજુ લોકોએ રોષ સાથે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં આ વખતે નેતાઓ મત માંગવા આવે એટલી જ વાર છે.
આવું જ કંઈક શહેરના વોર્ડ નં.10ના રામપાર્ક મેઈન રોડપર વેદાંત એપાર્ટમેન્ટ પાસે આવેલી શેરીઓમાં જોવા મળ્યું હતું. અહીં પણ વરસતાં વરસાદે પૂરજોશમાં ડામરકામ શરૂ કરી દેવામાં આવતાં કોંગે્રસે તંત્રવાહકોની આકરાં શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

લક્ષ્મીનગરનું 80% કામ પૂર્ણ થઈ ગયું છે, આટલા વરસાદમાં કામ કરી શકાય
આ અંગે મહાપાલિકાના વેસ્ટ ઝોનના સિટી ઈજનેર કુંતેશ મહેતાએ જણાવ્યું કે લક્ષ્મીનગરમાં વર્ષોથી રોડ-રસ્તાની હાલત અત્યંત ખરાબ હોવાને કારણે ત્યાં ઘણા સમય પહેલાં કામ શરૂ કરવામાં આવ્યું હતું જે80% જેટલું પૂર્ણ થઈ ગયું છે. અત્યારે રાજકોટમાં જોરદાર વરસાદ પડી રહ્યો ન હોવાથી ડામરકામ યથાવત રાખવામાં આવ્યું છે. જે ડામર તૂટીને હાથમાં આવ્યો છે તે બીએમ મતલબ કે બીટ્યુમીન મેકેડમ છે જેમાં ડામરનું પ્રમાણ 4% હોય છે જે પાથરી દેવાયા બાદ તેના ઉપર સીલકોટ પાથરવામાં આવે છે જેમાં ડામરનું પ્રમાણ 6% હોય છે. લોકોના હાથમાં જે ડામર આવ્યો છે જે બીએમ છે જે સરળતાથી ઉખડી જાય છે. વળી, આ પ્રકારનો ડામર રોડના છેડે પથરાયો હોવાથી તે ઉખડી પણ શકે છે. ખાસ કરીને ડામરકામ કરનાર કોન્ટ્રાક્ટ એજન્સીની જવાબદારી ફિક્સ હોય જો નબળું કામ જણાય તો તેની પાસે ફરીથી કરાવાય છે. જો કે હાલ દરેક જગ્યાએ ડામરકામ બંધ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : હૃદયરોગના દર્દીઓ માટે રાહતના સમાચાર : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આ તારીખથી યુ.એન.મહેતાની ઓપીડી થશે શરૂ

પરસાણા ચોકડીથી કણકોટ રોડ સુધીનો રસ્તો ઠીક કરવાની તાતી જરૂર
શહેરના 150 ફૂટ રિંગરોડ-2 પર પરસાણા ચોકડીથી કણકોટ ગામ તરફ જતાં રસ્તાની હાલત એટલી હદે ખરાબ છે કે અહીંથી નીકળતાં પહેલાં લોકોએ સો વખત વિચાર કરવો પડી રહ્યો છે. ઝરમરીયા વરસાદ વચ્ચે અહીં ગારાકિચડનું સામ્રાજ્ય છે જેના કારણે અહીંથી પસાર થઈ રહેલા કોલેજના વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
