રાજકોટમાં ASI ઓનડ્યુટી પીધેલી હાલતમાં ઝડપાયા : તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ
રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીમાં પીધેલી હાલતમાં ઓનડ્યુટી ASI સી.જે. ઝાલા પોલીસના હાથે સપડાતા ગુના નોંધી તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. પોલીસના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ગતરાત્રે યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં મહિલાની હત્યા થઈ હતી. આરોપીને ઈજા થઈ હોવાથી સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
હત્યા સંદર્ભેની તપાસને લઈને DCP ઝોન-૨ જગદીશ બાંગરવા સિવિલ હોસ્પિટલ ચોકી પહોંચ્યા હતા. એ સમયે ચોકી પર ફરજમાં રહેલા ચંદ્રસિંહ ઝાલા નામનો ASI પીધેલી હાલતમાં હોવાથી PI ડોબરિયાને લિગલ એક્શન લેવા DCPએ સૂચના આપી હતી. ફરિયાદ મુજબ PI પી.આર. ડોબરિયા તથા ટીમના તૌફિક દાદુભાઈ મઘરા સહિતના નાઈટ ડ્યુટીમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે સિવિલ હોસ્પિટલ ચોકીના કર્મચારી એને ચેક કરવા જતાં ASI ચંદ્રસિંહ જશુભા ઝાલા શરીરનું સમતોલપણું જાળવી શકતા ન હોય અને કેફી પ્રવાહી પીધાની તીવ્ર વાસ આવતી હતી.
બ્રેથ એનાલાઈઝરથી ચેક કરતાં ડ્રીંક લીધેલું માલુમ પડયું હતું. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અટકાયત કરાઈ હતી. પીધેલા પકડાયેલા ASI ઝાલા સંદર્ભે DCP બાંગરવાએ ‘વોઈસ ઓફ ડે’ની વાતચીત સાથે જણાવ્યું હતું કે, આવી વર્તણૂંકને કારણે ASI ને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.