રાજકોટમાં વિસ્તાર ફરે એટલે સ્પીડબ્રેકરની સાઈઝ પણ ફરી જાય! પોલિસીનો ખુલ્લેઆમ ઉલાળિયો, જાણો કયા વોર્ડમાં કેટલા સ્પીડબ્રેકર
રાજકોટમાં અત્યાર સુધીમાં અનેક અકસ્માત સ્પીડબે્રકરની અણઘડ સાઈઝને કારણે થયા છે. આ અકસ્માતને કારણે અનેક વાહનચાલકના હાડકાં ખોખરા થઈ ગયા છે તો અમુકના તો રામ જ રમી ગયા છે ! રાજકોટ જ નહીં પરંતુ દેશભરમાં સ્પીડબ્રેકરને કારણે અકસ્માતની સંખ્યામાં વધારો થઈ જતાં ઈન્ડિયન રોડસ કોંગ્રેસ (આઈઆરસી) કે જે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય હેઠળ આવે છે તેના દ્વારા સ્પીડબ્રેકર કેવડું પહોળું અને કેટલું લાંબું હોવું જોઈએ તેને લઈને પોલિસી બનાવાઈ હતી અને તે પોલિસીનો તમામે અમલ કરવો ફરજિયાત છે. જો કે મહાપાલિકાને આ પોલિસી સાથે કશું જ લાગતું-વળગતું ન હોય તે પ્રકારે શહેરના દરેક વિસ્તારમાં અલગ-અલગ સાઈઝના સ્પીડબ્રેકરખડકી દેવામાં આવ્યા હોવાને કારણે લોકો પણ અચંબિત થઈ જાય છે.

આઈઆરસીની પોલિસી પ્રમાણે દરેક સ્પીડ બે્રકર 2.40 મીટર લાંબું અને ચાર ઈંચ ઉંચું રાખવાનું હોય છે. હાલ રાજકોટમાં કુલ 4568 સ્પીડબ્રેકરછે પરંતુ તેમાંથી ભાગ્યે જ એવા સ્પીડબ્રેકર હશે જેમાં પોલિસીનો ચુસ્ત અમલ કરવામાં આવ્યો હોય બાકી તો વિસ્તાર ફરે એટલે સ્પીડબે્રકરની સાઈઝ પણ ફરી જાય તે પ્રકારે ખડકલો કરી દેવામાં આવતા ઉલટાના અકસ્માત થઈ રહ્યા છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે અમુક વિસ્તારમાં સ્પીડબ્રેકરમહાકાય હોય છે તો અમુક વિસ્તારમાં સ્પીડબ્રેકર સાવ નાનકડાં હોવાથી વાહનચાલકો ત્યાં બે્રક પણ મારતાં નથી ! અમુક વિસ્તારમાં તો સ્પીડબ્રેકરના નામે માત્ર સફેદ પટ્ટા જ મારેલા છે.

મહાપાલિકા દ્વારા આ વર્ષમાં કુલ 570 સ્પીડબ્રેકર બનાવવામાં આવ્યા છે પરંતુ તે પણ ઢંગધડા વગરના જ હોવાથી સ્પીડબ્રેકરનો સાચો હેતુ સાર્થક થઈ રહ્યો નથી. સ્પીડબ્રેકરપૂરપાટ ઝડપે આવતા વાહનને ધીમું પાડવા માટે હોય છે પરંતુ મહાકાય સ્પીડબ્રેકરને કારણે કારના જમ્પર સ્પીડબ્રેકર સાથે અથડાઈ પડે છે તો અમુક ટુ-વ્હીલર તો રીતસરના ઉલળી જતાં હોવાનું પણ અનેકવાર બન્યું છે.

શું કહે છે ઈજનેર?
આ અંગે વેસ્ટ ઝોનના સિટી ઈજનેર કુંતેશ મહેતાનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે મહાપાલિકા આઈઆરસીની ગાઈડલાઈન પ્રમાણે જ 2.40 મીટર લાંબું અને ચાર ઈંચ ઉંચું સ્પીડબ્રેકરબનાવે છે. જો કે અમુક વિસ્તારના રસ્તાની પહોળાઈને ધ્યાનમાં રાખી સ્પીડબ્રેકરની ઉંચાઈ-લંબાઈમાં ફેરફાર કરવામાં આવે છે. ખાસ કરીને પોલિસીનો અમલ કરવાનો આદેશ છૂટ્યા બાદ લગભગ દરેક વિસ્તારમાં એક સરખા જ સ્પીડબ્રેકર બનાવાઈ રહ્યા છે.

મતપેટી સાચવવા કોર્પોરેટરો સ્પીડબ્રેકરની આડેધડ ભલામણ કરતાં હોવાથી ટૂંકા અંતરે ત્રણથી ચાર સ્પીડબ્રેકર ખડકાયેલા
શહેરના અનેક વિસ્તાર એવા પણ છે જ્યાં એક જ રસ્તા ઉપર ટૂંકા અંતરે બેથી વધુ સ્પીડબ્રેકર ખડકાયેલા હોય છે. એકંદરે જે-તે વોર્ડના કોર્પોરેટર દ્વારા મતદારોને સાચવી લેવા માટે સ્પીડબ્રેકર મુકવાની ભલામણ કરતા હોય છે. આ જ કારણથી લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે.

સ્પીડબ્રેકર મુકાવવા માટે શું પ્રક્રિયા કરવી પડે ?
સ્પીડબ્રેકર બનાવવા માંગતા લોકોએ સ્પીડબ્રેકર બનાવવાની જગ્યા તેમજ કારણ સાથે ટ્રાફિક પોલીસમાં અરજી કરવાની હોય છે. આ પછી ટ્રાફિક પોલીસ તેમજ ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ (મહાપાલિકા) દ્વારા સ્પીડબ્રેકર બનાવવાની જગ્યાની સંયુક્ત મુલાકાત કરી સ્પીડબે્રકરની મંજૂરી ટ્રાફિક પોલીસ દ્વારા મહાપાલિકાને મોકલવામાં આવે છે. આ પછી વોર્ડવાઈઝ મંજૂર થયેલ સ્પીડબે્રકરની યાદી બનાવી સ્પીડબ્રેકર બનાવવા બાબતે લાગુ ઝોનના નાયબ કમિશનરની સૈદ્ધાંતિક મંજૂરી મેળવી આઈઆરસી પ્રમાણે સ્પીડબ્રેકર બનાવવામાં આવે છે.
