રાજકોટમાં કલા પ્રદર્શન ‘મોંઘું’ પડશે ! આર્ટ ગેલેરીના તોતિંગ ભાવ વધારાને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી
રેસકોર્સમાં કાર્યરત જૂની આર્ટ ગેલેરીના સ્થાને 5.90 કરોડના ખર્ચે રિનોવેટ થઈ તૈયાર થયેલી ડૉ.શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીનું ગત 6 જૂને મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયા બાદ હવે મહાપાલિકા દ્વારા આ આર્ટ ગેલેરી માટે ભાડા સહિતના દર નક્કી કરવામાં આવ્યા છે જે પ્રથમ દૃષ્ટિએ જોતાં `લાકડા’ જેવા હોવાનું કલા સાથે જોડાયેલા લોકોનું કહેવું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુચવાયેલા ભાડાદર અંગે આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

આ આર્ટગેલેરીમાં ત્રણ હોલ આવેલા છે અને દરેકનું ભાડું અલગ-અલગ નક્કી કરવામાં આવ્યું છે. ગેલેરી `અ’ કે જેની માપસાઈઝ 5080 ચોરસફૂટ એટલે કે 472 ચોરસમીટર છે તેનું ટિકિટ વગરનું કલા પ્રદર્શન હોય તો 15,000 અને ટિકિટવાળું પ્રદર્શન હોય તો 20,000 ભાડું સુચવાયું છે. આ ઉપરાંત બન્ને માટે ભાડા જેટલી જ ડિપોઝિટ પણ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત 2000 મેઈન્ટેનન્સ ચાર્જ, 1500 સફાઈ ચાર્જ, 1500 સિક્યુરિટી ગાર્ડ ચાર્જ અને 2000 એડમીન ચાર્જ પણ નક્કી કરાયો છે.

આ ઉપરાંત ગેલેરી `બ’ જેની માપસાઈઝ 2000 ચોરસફૂટ એટલે કે 186 ચોરસમીટર છે તેનું ટિકિટ વગરના પ્રદર્શન માટેનું ભાડું 10,000, ટિકિટવાળા પ્રદર્શનનું ભાડું 15,000 ઉપરાંત ભાડા જેટલી જ ડિપોઝિટ તેમજ મેઈન્ટેનન્સ ચાર્જ, સફાઈ ચાર્જ, સિક્યુરિટીગાર્ડ અને એડમિન ચાર્જ, ગેલેરી `ક’ કે જેની માપસાઈઝ 654 ચોરસફૂટ એટલે કે 60 ચોરસમીટર છે તેનું ભાડું પાંચ હજારથી લઈ દસ હજાર તેમજ ભાડા જેટલી જ ડિપોઝિટ અને અન્ય ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે.
જ્યારે શુક્રવારથી રવિવાર દરમિયાન કલા પ્રદર્શન હોય તો ગેલેરી `અ’નું ટિકિટ વગરનું પ્રદર્શન હોય તો ભાડું 20,000+20,000 ડિપોઝિટ, ટિકિટવાળું પ્રદર્શન હોય તો 30,000+30,000 ડિપોઝિટ, ગેલેરી `બ’નું 15,000 ભાડું+15,000 ડિપોઝિટ, ટિકિટવાળું પ્રદર્શન હોય તો 20,000 ભાડું+20,000 ડિપોઝિટ, ગેલેરી `ક’નું 7000+7000 ડિપોઝિટ તેમજ ટિકિટવાળું પ્રદર્શન હોય તો 12,000 ભાડું+12,000 ડિપોઝિટ સુચવવામાં આવ્યા છે. આ સિવાય અન્ય ચાર્જિસ પણ અલગ ચૂકવવાના રહેશે.
આ પણ વાંચો : રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠિયા પર ED કરશે કાર્યવાહી : મની લોન્ડરિંગનો કેસ ચલાવવા RMC સ્ટેન્ડિંગ કમિટીની લીલીઝંડી
ઉદાહરણ તરીકે ગેલેરી `અ’નું બુકિંગ કોઈ કલા પ્રદર્શન માટે કરવામાં આવે છે અને તેમાં ટિકિટ રાખવામાં આવતી નથી તો તેણે 15,000 ભાડું+15,000 ઉપરાંત સાત હજાર રૂપિયા અલગ-અલગ ચાર્જિસના ગણવામાં આવે તો બુકિંગ કરાવનારે કુલ 37 હજાર રૂપિયાની ભરપાઈ કરવાની રહેશે જેમાંથી 15,000 રૂપિયા ડિપોઝિટ પરત મળ્યા બાદ બુકિંગનો ચાર્જ 22,000 રહેશે.
જ્યારે ગેલેરી બુકિંગ કરાવનારને સવારે 9થી બીજા દિવસે સવારે 8 વાગ્યા સુધી ભાડે આપવા સહિતની 44 શરત પણ નક્કી કરવામાં આવી છે.