દ્વારકા, ચોટીલા, તરણેતર સહિતના મંદિરોએ હથિયારધારી જાપ્તો રહેશે : સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં જન્માષ્ટમી પર્વને લઇને સુરક્ષા સંગીન કરાઈ
જન્માષ્ટમી પર્વને ધ્યાને લઈને રાજકોટ રેન્જ હેઠળ આવતા જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા તથા રાજકોટ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે રાજકોટ રેન્જ IG અશોકકુમાર યાદવ દ્વારા ખાસ બેઠક યોજાઈ હતી. પાંચેય જિલ્લામાં આવતા ધાર્મિક સ્થળો, મંદિરો પર સુરક્ષા ઉપરાંત અંદાજે 90જેટલી જન્માષ્ટમી શોભાયાત્રાઓ,44 જેટલા નાના-મોટા લોકમેળાઓ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સહિતનો રોડમેપ તૈયાર કરાયો છે. ક્યાંક કોઈ સ્થળે કોઈ અરાજકતા ન ફેલાય, ચકલું ન ફરકી શકે તેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.

પાંચ જિલ્લાઓમાં સ્થાનિકસ્તરે અધિકારીઓ દ્વારા પર્વના માહોલમાં શાંતિ સુરક્ષા જળવાઈ રહે તે માટે ૮૦થી વધુ શાંતિ સમિતિની બેઠકો પણ યોજવામાં આવી હતી જેમાં 1600 જેટલા આગેવાનો હાજર રહ્યા હતા. પાંચેય જિલ્લામાં યોજાનારી અંદાજિત ૯૦થી વધુ જન્માષ્ટમી શોભાયાત્રામાં 1.15 લાખથી વધુ લોકો જોડાનાર હોવાનો અધિકારીઓનો અંદાજ છે. શોભાયાત્રા અને 44 જેટલા યોજાનારા લોક મેળાઓમાં પાંચેય જિલ્લાના એસ.પી. ઉપરાંત 13થી વધુ ડીવાયએસપી, 150થી વધુ PI, PSI, 1800 જેટલા પોલીસ સ્ટાફ ઉપરાંત 2000થી વધુ હોમગાર્ડ, ગ્રામ્ય રક્ષક દળના જવાનો તથા ટ્રાફિક વોર્ડન તહેનાત રહેશે.
આ પણ વાંચો : તહેવાર પર રાજકોટમાં ઠલવાય તે પહેલાં 26 લાખનો દારૂ-બીયર પકડાયો : ગોવાથી જથ્થો રાજકોટ આવી રહ્યો’તો

અસામાજિક તત્વો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાસ વોચ રખાશે
પાંચેય જિલ્લામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી શાંતિપૂર્ણ રહે એ માટે દરેક જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો, ખિસ્સાકાતરુઓ, ચિલઝડપ સમડીઓ, લુખ્ખા તત્વો, ટપોરીઓ પર ખાસ વોચ રાખવા પોલીસની ટીમો ખાનગી વેશમાં રહેશે. મહિલા પોલીસની શી-ટીમો પણ કાર્યરત હશે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરૂપયોગ કરી કોઈ વાંધાજનક પોસ્ટ, ટિપ્પણીઓ ન થાય કે વાતાવરણ ડહોળવાનો આવો કોઈ પ્રયાસ ન થાય માટે સાઈબર સેલ સતત ૨૪ કલાક એક્ટિવ રહીને મોનિટરિંગ કરશે. કોઈ આવી અફવા, પોસ્ટથી ખોટી રીતે દોરાઈ ન જવું તેમજ વરસાદી વાતાવરણને ધ્યાને લઈને લોકમેલો, જાહેર સ્થળોએ ઈલેક્ટ્રીક શોર્ટસર્કિટ સહિતની બાબતોએ તકેદારી રાખવા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે.
આ પણ વાંચો : રાજકોટના લોકમેળો ‘સાફ’ રાખવા 260 સફાઇ કામદારોની ફૌજ ઉતરશે : 2 JCB, 4 ડમ્પર અને 10 મીની ટીપરવાન તૈનાત રખાશે

દ્વારકા, ચોટીલા, તરણેતર સહિતના મંદિરોએ હથિયારધારી જાપ્તો રહેશે
જન્માષ્ટમી પર્વને લઈને સૌરાષ્ટ્રના મુખ્ય ગણાતા જગવિખ્યાત એવા દ્વારકાધીશ મંદિરે ખુબ ધસારો રહેશે. અસંખ્ય યાત્રાળુઓ આવશે જેને લઈને દ્વારકા મંદિર તેમજ બેટદ્વારકા મંદિર ખાતે સાત ડીવાયએસપી મળી 1725 ના સ્ટાફની કિલ્લેબંધી ચોટીલા ચામુંડા માતાજી મંદિર પર એક ડીવાયએસપી સાથે 227 પોલીસ તથા અન્ય જવાનોની સુરક્ષા ગોઠવાશે. તરણેતર ત્રિનેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાતા મેળામાં એક DIG તેમજ 10 DYSP મળી 1190 નો સ્ટાફ તથા SRPની ત્રણ કંપનીઓનો બંદોબસ્ત રહેશે. ધાર્મિક સ્થળો પર ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન, રાહબરી સાથે હથિયારધારી જાપ્તો ગોઠવાયો છે. પાંચેય જિલ્લામાં પોલીસની મદદ માટે કોઈ શંકાસ્પદ વસ્તુઓ દેખાય તો જે તે જિલ્લાના પોલીસ કન્ટ્રોલરૂમો પર કે આસપાસના અધિકારીઓ, પોલીસ કર્મી ઓને તુરંત જ જાણ કરવા પણ અપીલ કરાઈ છે.
