પોલીસને માત્ર કલેક્શનમાં જ રસ!? રાજકોટમાં સરાજાહેર તોડફોડ કરનાર 15 શખ્સોમાંથી માંડ એક જ પકડાયો
રાજકોટમાં જાણે પોલીસને લોકોની સુરક્ષા નહીં બલ્કે `કલેક્શન’માં જ રસ રહ્યો હોય તે પ્રકારે ના`કામગીરી’ કરવામાં આવતાં અસામાજિક તત્ત્વો શહેર આખાને બાનમાં લઈને બેસી ગયા છે. મન પડે ત્યારે હથિયારો સાથે જાહેરમાં આતંક ફેલાવવો, હુમલા કરવા જેવી બાબતે હવે જરા પણ ખચકાટ અનુભવી રહ્યા ન હોય પોલીસે હવે ખરેખર કડક હાથે કામ લેવું જરૂરી બની ગયું છે. આવી જ એક ઘટના રવિવારે રાત્રે 10ઃ30 વાગ્યાના અરસામાં નહેરુનગર શેરી નં.5માં બની હતી જ્યાં મકાન ખાલી કરાવવા માટે અનેક વખત પોલીસ ચોપડે ચડી પાંચથી સાત સહિત પંદર શખસોએ હોટેલમાં સોડા બોટલના ઘા કરી, દુકાનમાં તોડફોડ કરી બે લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે આટલા કલાકો વીતી ગયા છતાં તોડફોડ કરનાર પંદરમાંથી માંડ એક શખસને જ પોલીસ શોધી શકી છે.

આ ઘટના અંગે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે રોજીનાબેન સમીરહુસેન સૈયદ (ઉ.વ.39) છેલ્લા 45 વર્ષથી ભાડાચીઠ્ઠીના આધારે નહેરુનગર શેરી નં.5માં ફારૂક શેખના મકાનમાં રહે છે. રવિવારે ફારૂક શેખ, તેની માતા, અહેમદ ઉર્ફે આમભાઈ સાંધ સહિતના લોકોએ ધસી આવી મકાન ખાલી કરાવવા મુદ્દે માથાકૂટ કરી હતી. આ પછી અહેમદ, ફારૂક સહિતનાએ `તમે તૈયારી રાખજો અમે થોડીવારમાં આવીએ છીએ’ કહી ચાલ્યા ગયા બાદ 10ઃ30 વાગ્યે બે ફોરવ્હીલ કાર તેમજ સાતેક ટુ-વ્હીલર પર અહેમદ સાંધ, ઈશુ ડાડો, અજીત ઉર્ફે ટકો, સદામ દલવાણી સહિતના પંદર જેટલા શખસો ધસી આવ્યા હતા અને ઈમરાન નામના વ્યક્તિની ફૌજી હોટેલમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. અહેમદ અને સદામે રોજીનાબેનના ભાઈ સોહિલને માથામાં સોડાની બોટલ ફટકારી હતી તો સોહિલના સાળા અરહાનને પણ ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો : રાજકોટ જિલ્લાના 26 પુલ નબળા : આ 5 બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશબંઘી, કુલ 495 બ્રીજમાંથી 377 સારી ક્વોલિટીના

આ પ્રકારે તોડફોડ તેમજ હુમલાથી મોડીરાત સુધી નહેરુનગરમાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને પોલીસ આરોપીને તાત્કાલિક પકડી સરઘસ કાઢે તેવી પ્રબળ માંગ કરતાં પોલીસે રાત્રીના સમયે જ હુમલાખોરોની શોધખોળ શરૂ કરતાં એકમાત્ર અજીત ઉર્ફે ટકો (રહે.ભોમેશ્વર) ગાંધીગ્રામ પોલીસને મળી શક્યો હતો. આ સિવાય ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી સહિતની બ્રાન્ચે અન્ય આરોપીના ઘેર જઈને ચેકિંગ કરતાં તમામ ઘરને તાળું મારી પરિવાર સાથે ફરાર થઈ ગયા હોવાનું ધ્યાન પર આવતાં ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.

