રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના એટીવીટી સેન્ટરમાં લટકતા વીજવાયરોથી અરજદારો ઉપર જોખમ,જુઓ તસવીરો
રાજકોટ તાલુકા મામલતદાર કચેરીનો પુરવઠા વિભાગ અને એટીવીટી સેન્ટર જ્યાં બેસે છે તે ન્યાય મંદિરમાં છેલ્લા ત્રણ દિવસથી લીમડાનું વૃક્ષ ધરાશયી થતા અહીં આવતા અરજદારોને હાલાકીનો ભોગ બનવું પડી રહ્યું હોવાનું અને કચેરીમાં પ્રવેશવા જંગલ જેવી સફર કરવી પડતી હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, વૃક્ષ ધરાશયી થવાથી અહીં જીવતા વીજ વાયર લટકી રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા આ જોખમી વીજ વાયર દૂર કરાવવા તસ્દી લેવામાં નથી આવી.

રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા અગાઉ કચેરીમાં બેસતી પુરવઠા ઝોનલ કચેરીને બાજુમાં આવેલ ન્યાય મંદિરમાં ખેસડી દીધા બાદ તાજેતરમાં એટીવીટી સેન્ટરને પણ ન્યાય મંદિરમાં ખસેડી દેતા હાલમાં અહીં આવતા અરજદારો હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને અગવડતા વાળા ન્યાય મંદિરમાં ત્રણેક દિવસ પૂર્વે લીમડાનું તોતિંગ વૃક્ષ પાર્કિંગના છાપરા ઉપર ધરાશયી થતા કચેરીના એન્ટ્રી પોઇન્ટ ઉપર જ વૃક્ષનો ભાગ આવી ગયો છે. પરિણામે અહીં આવતા અરજદારોને ઝાડની ડાળીઓ હટાવી અંદર પ્રેવેશવુ પડે છે.
આ પણ વાંચો : સુરતના શખ્સે રાજકોટના વેપારીને 65 લાખનો ધૂંબો માર્યો : રાખડી ખરીદી પૈસા નહીં ચૂકવતાં 2 વર્ષે નોંધાવી ફરિયાદ!

બીજી તરફ તાલુકા મામલતદાર કચેરીમાંથી અહીં આવવા માટે એક દરવાજો મુકવામાં આવ્યો છે જ્યાં બેસુમાર ગંદકીના ઢગલા ખડકાયા હોવા છતાં અહીં સફાઈ બાબતે ધ્યાન આપવામાં આવતું નથી.

સાથે જ વૃક્ષ પડી જવાને કારણે જીવતા વીજ વાયર પણ રસ્તા વચ્ચે પડયા હોવા છતાં મામલતદાર દ્વારા આ ગંભીર બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત પુરવઠા અને એટીવીટી જ્યાં બેસે છે તે સંકુલમાં ટોયલેટ-યુરિનલ સાફ ન થતા હોવાથી કચેરીમાં અતિશય દુર્ગંધ ફેલાતી હોવાનું પણ અરજદારો જણાવી રહ્યા છે.

