અપને તો અપને હોતે હોતે હૈ…ધર્મેન્દ્રની રાજકોટ સાથેની યાદગાર ક્ષણો, એક અઠવાડિયા સુધી બંને દીકરા સાથે કર્યું’તું શૂટિંગ
વર્ષ 2007માં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ‘અપને’નાં મહત્વના દ્રશ્યોનું શુટિંગ રાજકોટ શહેરમાં થયું હતું. ફિલ્મની વિશેષતા એ હતી કે પહેલવાર દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર, તેમના પુત્રો સન્ની દેઓલ અને બોબી દેઓલ,ત્રણેય એકસાથે એક જ ફિલ્મમાં જોવા મળ્યા હતા, જે ફિલ્મના પ્રચારથી લઈને લોકપ્રિયતા સુધી ખાસ આકર્ષણ બન્યું હતું.

રાજકોટનાં ઇન્ડોર સ્ટેડિયમમાં સૌથી રોમાંચક બોક્સિંગ દ્રશ્યો ફિલ્માવવામાં આવ્યા હતા. અહીં બોબી દેઓલ અને આર્યન વૈદ વચ્ચેનો મુકાબલો શૂટ થયો હતો અને આ સીન દરમિયાન ધર્મેન્દ્ર પણ સેટ પર હાજર હતા, કારણ કે તેઓ ફિલ્મમાં કોચ અને પિતાનું કેન્દ્રિય પાત્ર ભજવતા હતા.આ શૂટિંગ રાજકોટમાં એક સપ્તાહ સુધી ચાલ્યું હતું.જ્યારે ઓડિયન્સમાં રંગીલા રાજકોટવાસીઓને ચમકવાની તક મળી હતી.આ ફિલ્મનું શૂટિંગ રાજકોટવાસીઓ માટે એક ઉત્સવ સમાન બની રહ્યો હતો.

તે દિવસો રાજકોટ માટે ખરેખર યાદગાર હતાં,જ્યારે શહેરે સંપૂર્ણ દેઓલ પરિવારને પોતાના શહેરમાં કામ કરતા નજીકથી જોયા અને આવકાર્યા. રાજકોટ આ યાદ ક્યારેય ભૂલી શકશે નહીં, કારણ કે ‘અપને’નું શૂટિંગ સિનેમેટિક યાદોમાં સદાકાળ માટે અંકિત થઈ ગયું છે.

આ ફિલ્મના શુટિંગ માટે ધર્મેન્દ્રજી, સન્ની દેઓલ અને બોબીદેઓલ ત્રણેય રાજકોટમાં લગભગ એક અઠવાડિયા સુધી રોકાયા હતા. ડિરેક્ટરને શુટ માટે લગભગ 15 હજાર લોકોની જરૂર હતી પરંતુ સ્ટેડિયમની અંદર અને બહાર ધર્મેન્દ્રજીના ફેન્સની એટલી ભીડ હતી કે દર બે કલાકે ગોઠવાયેલી ભીડને બદલવાની ફરજ પડી હતી. ધર્મેન્દ્રજીને જોવા માટે હજારો ચાહકો સ્ટેડિયમની બહાર રાહ જોઈ રહ્યા હતા .જે દર્શાવે છે કે રાજકોટમાં થયેલું આ શુટિંગ કેટલું લોકપ્રિય અને યાદગાર બન્યું હતું.

