રાજકોટના સરકારી દવાના ગોડાઉનમાં ફરી ગાંધીનગરથી તપાસ : GMSCLના ગોડાઉન અંગે કલેકટરના રિપોર્ટ બાદ એક્શન લેવાયા
રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ ગુજરાત મેડિકલ સર્વિસીસ કંપની લિમિટેડ એટલે કે, GMSCLના ગોડાઉનમાં વધુ એક બેદરકારી સામે આવતા બુધવારે ગાંધીનગરથી GMSCLના ઉચ્ચ અધિકારીઓની ટીમ દોડી આવી હતી. જો કે, ગાંધીનગરથી આવેલ ટીમોએ આ ચેકીંગને રૂટિન ગણાવ્યું હતું પરંતુ હકીકતમાં રાજકોટના ગોડાઉનમાં જે દવાઓ 2થી 4 ડિગ્રી ઠંડકમાં રાખવાની હોય તેવી દવાઓ 15-15 દિવસ ખુલ્લામાં રાખવામાં આવી હોય આ મામલે જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવેલ રિપોર્ટ બાદ તાબડતોબ તપાસ માટે ટીમો આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના મોરબી રોડ સ્થિત GMSCL દવાના ગોડાઉનમાં તાજેતરમાં દવાનો મોટો જથ્થો પલળી જતા ફાર્માસીસ્ટને સસ્પેન્ડ કરી અન્ય એજન્સીઓના કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા હતા. જો કે, હમ નહીં સુધરેંગે જેવી સ્થિતિમાં અહીં કાયમી કર્મચારીના અભાવે સરકારી દવાઓ રામભરોસે જેવી હાલતમાં પડી રહેતી હોવાનું તેમજ કેટલીક દવાઓ ફરજીયાતપણે બેથી ચાર ડિગ્રી તાપમાનમાં રાખવાની હોય તેવી દવાઓ પણ ખુલ્લામાં રાખી પંદર -પંદર દિવસ સુધી આ દવાઓ થાળે પાડવામાં ન આવતી હોવાની ફરિયાદ જિલ્લા કલેકટર સુધી પહોંચતા જિલ્લા કલેકટરના રિપોર્ટ બાદ ગાંધીનગરથી તપાસ માટે ટિમો દોડી આવી હતી. જો કે, GMSCLની તપાસ ટીમના દવા ખરીદી વિભાગના ડેપ્યુટી મેનેજર હિતેશ પ્રજાપતિએ તપાસને રૂટિન ગણાવી હતી.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં GMSCLના કુલ 11 વેરહાઉસ ચાલુ છે જેમાં રાજકોટ સ્થિત GMSCLના ગોડાઉનથી હાલમાં રાજકોટ, મોરબી અને જૂનાગઢ જિલ્લાની સિવિલ હોસ્પિટલ સહિત જુદા-જુદા 130 સેન્ટરોને દવા પહોંચાડવામાં આવે છે. જો કે, GMSCL દ્વારા રાજ્યના મોટાભાગના જિલ્લામાં કાયમી અધિકારીઓની નિમણુંક કરવાને બદલે ઇન્ચાર્જથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. હાલમાં રાજકોટમાં પણ વેરહાઉસ મેનેજર અને સિનિયર ફાર્માસીસ્ટ ઇન્ચાર્જ હવાલે ચાલી રહ્યા છે.
આ પણ વાંચો :4 વર્ષનો બાળક રમતો રમતો રૂમમાં ગયો’તો માતા પંખા સાથે લટકતી જોવા મળી: રાજકોટમાં પરિણીતાએ કર્યો આપઘાત

દવા પલળી જવા પ્રકરણમાં કંપનીની ભૂલ હોવા છતાં કર્મચારીઓનો ભોગ લેવાયો
રાજકોટના GMSCL ગોડાઉનમાં દવાનો જથ્થો પલળી જવા પ્રકરણમાં તપાસ દરમિયાન જે ટ્રકમાં દવાઓ પલળી હતી તે ટ્રકની તાલપત્રી નબળી હોવાથી દવા પલળી હોવાનું સામે આવ્યું છે. સાથે જ વેરહાઉસ બહાર પડેલા ટ્રકમાં દવા પલળે તો જવાબદારી જે તે કંપનીની હોય છે તેમ છતાં રાજકોટના કિસ્સામાં GMSCL દ્વારા એજન્સીના માણસોને કાઢી મૂકી ભોગ લેવાયો હોવાનું સામે આવ્યું છે.

વેર હાઉસમાં જનરેટર છે પણ ડીઝલ નથી, આઇઆર સેફ્ટિનું એનઓસી પણ નથી
રાજકોટમાં આવેલ GMSCL વેર હાઉસમાં સરકારી દવાખાનામાં દવા સપ્લાય કરવામાં આવે છે જેમાં અનેક દવાઓને ઠંડા તાપમાનમાં રાખવી પડે છે. જો કે જે વિસ્તારમાં વેર હાઉસ આવેલ છે ત્યાં અનેક વખત કલાકો સુધી વીજળી ગુલ થઈ જતી હોય અહીં જનરેટર રાખવામાં આવ્યું છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી પરચુરણ ગ્રાન્ટની ફાળવણી થતી ન હોવાથી જનરેટ્ર્માં ડીઝલ ન હોવાથી ખરા સમયે જ જનરેટરનો ઉપયોગ થઇ શકતો નથી, આ ઉપરાંત GMSCL ગોડાઉનમાં આઈઆર સેફટી એનઓસી પણ ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
